IITEના ૯માં સ્થાપના દિનની ઉજવણી, રાજ્યપાલે ૧૦૦થી વધુ શિક્ષકોનું સન્માન કર્યું

610

આજે ગાંધીનગર ખાતે આઈ.આઈ.ટી.ઈ નાં ૯માં સ્થાપનાદિને ૧૦૦થી વધુ ગુરૂજનોનું સન્માન કરતા રાજ્યપાલ ઓ પી કોહલીએ ઉમેર્યુ કે, વિકસતા જતા સમયમાં વિદ્યાર્થીઓને વિશ્વ કક્ષાનું શિક્ષણ આપવું અનિવાર્ય બન્યું છે. ત્યારે શિક્ષકો આ ક્ષેત્રે પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપી રહ્યા છે. સેવારત અને સેવા નિવૃત શિક્ષકો સમાજ પ્રત્યે પોતાનું દાયિત્ય નિભાવીને સમાજ ઘડતરમાં ડાયનેમિક ભૂમિકા અદા કરવા રાજ્યપાલે આહવાન કર્યુ હતું. રાજ્યપાલ ઓ.પી.કોહલીએ જણાવ્યું છે કે, સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણ માટે શિક્ષણ અત્યંત મહત્વનું છે ત્યારે ગુણવત્તાલક્ષી સારું શિક્ષણ પૂરું પાડવા માટે શિક્ષકો જ કરોડરજ્જુ પુરવાર થઈ રહ્યા છે તે સમાજ માટે અત્યંત ગૌરવરૂપ છે.

રાજ્યપાલ કોહલીએ જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશનની સ્થાપના વર્ષ ૨૦૧૦માં કરી હતી. તેમના વિઝન- મિશન થકી આજે આ યુનિવર્સિટી દેશની એકમાત્ર યુનિવર્સિટી બની છે. યુનિવર્સિટી દ્વારા આવનારા સમયમાં સમાજોપયોગી સંશોધનો તથા શિક્ષક ઘડતર માટેના પ્રયાસો થાય તે જરૂરી છે.

રાષ્ટ્રના વિકાસમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ જ ચાવીરૂપ ભૂમિકા અદા કરી શકે તેમ છે ત્યારે વિશ્વવિદ્યાલયો આ ક્ષેત્રે પ્રાધાન્ય આપે તે જરૂરી છે. તેમણે શિક્ષકોને હવે વેતનભોગી ગ્રંથીમાંથી બહાર આવીને પોતાની કર્તવ્યનિષ્ઠા અદા કરવા પણ ભારપૂર્વક જણાવ્યું હતું. તેમણે કહ્યું કે શિક્ષક સમાજનું અભિન્ન અંગ છે. શિક્ષકોમાં બૌદ્ધિક ક્ષમતાની સાથે સાથે વ્યવસાયિક ક્ષમતા અને સંવેદના જોડાય તો આવનારી પેઢીને અવશ્ય ફાયદો થશે. શિક્ષકનું કામ માત્ર મારવાનું નહીં પણ વિદ્યાર્થીઓને સંવેદના થકી સહારો આપીને ઘડતર કરવાનું છે.

રાજ્યપાલે કહ્યું કે દેશમાં શિક્ષણનો સ્વર્ણિમ યુગ છે. આપણે નાલંદા, તક્ષશિલા અને વલ્લભી વિદ્યાપીઠો માટે ગૌરવ કરીએ છીએ ત્યારે દેશની યુનિવર્સિટીઓ પણ વર્લ્ડ રેન્કિંગમાં આગવું સ્થાન હાંસલ કરીને પુનઃ તક્ષશિલા, નાલંદા, વિદ્યાપીઠ જેવું ગૌરવ પ્રાપ્ત કરે તે માટે શિક્ષકોએ આગવા પ્રયાસ કરવા પડશે.

ઉઇઝ્ર-દ્ગઝ્ર્‌ઈનાં ચેરપર્સન રવિન્દ્ર કડુએ આ પ્રસંગે ઉપસ્થિત નિવૃત્ત અધ્યાપકોની પ્રશંસા કરીને તેમના દ્વારા શિક્ષણ થકી સમાજને આગળ લઈ જવાના કરવામાં આવેલા પ્રયાસો બિરદાવ્યા હતા. આજે પણ શ્રેષ્ઠ શિક્ષકોની સમાજ ને ખુબ જરૂર છે તેમ કહીને કડુ એ ઉમેર્યું હતું કે, આ વિઝન સાથે જ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આઈ.આઈ.ટી.ઈની સ્થાપના કરી હતી. તે ઉપરાંત આઈઆઈટીઈના કુલપતિ હર્ષદ પટેલને આ યુનિવર્સિટીને નવી ઊંચાઈએ લઈ જવા બદલ ડો. કડુએ અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે આઈ.આઈ.ટી.ઈ ના કુલપતિ ડૉ હર્ષદ પટેલે રાજ્યપાલ તથા મહેમાનો અને ઉપસ્થિત નિવૃત્ત અધ્યાપકોને આવકારતા જણાવ્યું હતું કે ચાર વર્ષીય બીએડ અભ્યાસક્રમો અને ત્રણ વર્ષીય અનુસ્નાતક અભ્યાસક્રમો ચલાવતી આ યુનિવર્સિટીમાં હાલમાં ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ૧૯ ડાયટ કોલેજો આ યુનિવર્સિટી સાથે સંલગ્ન કરવાનો આઈઆઈટીઈ મારફતે અવસર મળ્યો છે. તેમણે ઉમેર્યું કે નવી પેઢીના શિક્ષક પ્રશિક્ષકોને જૂની પેઢીના શિક્ષક પ્રશિક્ષકો સાથે સંવાદ કરવાની તક મળે તો શિક્ષણ સુધારણામાં મોટો બદલાવ આવી શકે.

મહાત્મા મંદિર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે સ્કોલરશિપ અને ફેલોશિપ મેળવનાર વિદ્યાર્થીઓના સન્માન સાથે રાજ્યની બીએડ, એમએડ શિક્ષણ સંસ્થાઓમાંથી નિવૃત્ત થયેલા ૧૦૦થી વધુ અધ્યાપકોનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં યુનિવર્સિટીના રજીસ્ટ્રાર મધુસુદન મકવાણા, યુનિવર્સિટીના અધ્યાપકો તથા વિષય નિષ્ણાતો અને ભૂતપૂર્વ શિક્ષણગણ સહીત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleઈન્ડિયન આર્મીમાં જોડાવા માટે અમદાવાદમાં યોજાશે મેગા ભરતી મેળો
Next articleકેન્દ્રએ એક દેશ,એક રેશનકાર્ડ લાગૂ કરવા ૩૦ જૂન ૨૦૨૦ સુધીનો સમય આપ્યો