શાસ્ત્રીની સ્કુલની મુલાકાત લઇ અપાયેલી ભાવાંજલિ

360

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉઝબેકિસ્તાન પ્રવાસના તેમના ચોથા દિવસનો પ્રારંભ ઉઝબેકિસ્તાનની રાજધાની તાશ્કંદની સ્વ. લાલબહાદૂર શાસ્ત્રી સ્કૂલની મૂલાકાતથી કર્યો હતો. મુખ્યમંત્રીએ પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. લાલબહાદૂર શાસ્ત્રીના નામ સાથે જોડાયેલી આ શાળા પરિસરમાં શાસ્ત્રીજીની પ્રતિમા સમક્ષ પૂષ્પાંજલિ અર્પણ કરી કૃતજ્ઞતા પ્રગટ કરી હતી. તેમણે શાળામાં શાસ્ત્રી મેમોરિયલની પણ મૂલાકાત કરી હતી. મુખ્યમંત્રીએ મેમોરિયલ મૂલાકાત બાદ વિઝીટર બૂકમાં પાઠવેલા સંદેશામાં પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. લાલબહાદૂર શાસ્ત્રીને હ્વદયપૂર્વક ભાવભીની અંજલિ આપતાં લખ્યું કે, આવનારી સદીઓ સુધી સ્વ. શાસ્ત્રીજીના અપ્રતિમ જીવન કાર્યોની અનૂભુતિ આપણને આ સ્કૂલ – મેમોરિયલ કરાવતા રહેશે.  વિજય રૂપાણીએ વિઝીટર બૂકમાં હિન્દી ભાષામાં જે સંદેશો પાઠવેલો છે તે આ મુજબ છે.  મહાન સ્વાતંત્ર્ય સેનાની અને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારતરત્નથી સન્માનિત આપણા પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગીય લાલબહાદૂર  શાસ્ત્રીજીને સમગ્ર દેશવાસીઓ તરફથી નમન કરૂં છું. તેઓ સ્વભાવે વિનમ્ર, કર્મઠ, ઇમાનદાર, સ્વાભિમાની અને સાદગી પસંદ વ્યકિત હતા. મોટા પદ પર રહેવા છતાં તેઓ હંમેશા જમીનથી જોડાયેલા રહ્યા. સ્વ. શાસ્ત્રીજીએ પ્રધાનમંત્રી તરીકે ભારતના સામાજિક અને આર્થિકજ વિકાસને આગળ ધપાવવામાં અતૂલનીય યોગદાન આપેલું છે.

શાસ્ત્રીજીનો ‘‘જય જવાન-જય કિસાન’’નો નારો આજે પણ યુવાશકિતના મન-ચિત્તમાં જોશ અને ઉમંગની નવી લહેર ઊભી કરી દે છે. સ્વ. લાલબહાદૂર  શાસ્ત્રીજીએ કવેળાએ આપણી વચ્ચેથી વિદાય લીધી, પરંતુ દેશ માટે એમના ત્યાગ અને સમર્પણે ભારતના હરેક ઘરમાં તેમને જીવીત રાખ્યા છે. આ જ કારણથી શાસ્ત્રીજી પ્રત્યેક ભારતીયના દિલમાં વસી ગયા છે.

Previous articleપીએમ મોદી ૩૧ ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સફારી પાર્કનું ઉદ્ઘાટન કરશે
Next articleસૌરાષ્ટ્ર, દ. ગુજરાતમાં વરસાદ