સૌરાષ્ટ્ર, દ. ગુજરાતમાં વરસાદ

506

ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં ભારે વરસાદ હજુ પણ જારી રહ્યો છે. વરસાદી માહોલના કારણે ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. ખાસ કરીને મગફળીના પાકને ભારે નુકસાન થયું છે. પાકને નુકસાનના કારણે ખેડૂતો ચિંતાતુર દેખાઈ રહ્યા છે. દિવાળી આસપાસ પણ વરસાદ જારી રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી બાજુ હવામાન વિભાગે કહ્યું છે કે, અમદાવાદમાં પણ આંશિક વાદળછાયુ વાતાવરણ રહી શકે છે. હળવા વરસાદી ઝાપટા હજુ કેટલાક દિવસ સુધી દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જારી રહી શકે છે. હવામાન ખાતાની આગાહી મુજબ, આજે મેઘરાજાએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના પંથકોમાં જોરદાર ધડબડાટી બોલાવી હતી. ખાસ કરીને સુરત, અમરેલી, પોરબંદર, ઘેડ, જૂનાગઢ, કેશોદ, ગીર-સોમનાથ, તાલાલા ગીર સહિતના અનેક પંથકોમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને સુરતમાં મેઘરાજાએ જોરદાર તોફાની એન્ટ્રી મારી હતી, જેના કારણે ઉધના, અડાજણ, અઠવાલાઇન્સ, કામરેજ, પલસાણા, પીપલોદ, વેસુ, નનાપુરા સહિતના મોટાભાગના વિસ્તારોમાં ભારે પાણી ભરાઇ ગયા હતા અને વરસાદના કારણે સ્થાનિક જનજીવન ઘમરોળાઇ ગયુ હતુ. હજુ પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના પંથકોમાં બે દિવસ વરસાદની આગાહી કરાઇ છે તો, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તો દિવાળી તાકડે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરતાં સૌરાષ્ટ્રવાસીઓમાં નિરાશાની લાગણી પ્રસરી ગઇ છે. બીજીબાજુ, સૌરાષ્ટ્‌ અને દક્ષિણ ગુજરાતના પંથકોમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાતા સ્થાનિક ખેડૂતો ઉંડી ચિંતામાં ગરકાવ બન્યા હતા કારણ કે, તેમના ઉપાડેલી મગફળીના પાકને મોટાપાયે નુકસાન અને પાક ધોવાઇ જવાની સ્થિતિ બની છે. અરબી સમુદ્રમાં સક્રિય લો પ્રેશર સીસ્ટમનાં કારણે હવામાન વિભાગ દ્વારા કરાયેલી ગીર સોમનાથ, તાલાલા ગીર, દીવ, અમરેલી, રાજુલા, ધારી, પોરબંદર, જૂનાગઢ, કેશોદ, સુરત સહિતના અનેક પંથકોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ ગયા હતા. જેને લઈને સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી કરી હતી.

શહેરના સુરતના અડાજણ, અઠવાલાઇન્સ, પીપલોદ, વેસુ, નનાપુરા, ઉધના સહિત મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડ્‌યા હતા. જેના કારણે સુરતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. બીજીબાજુ, અમરેલીના ધારીના ચલાલા રોડ ખોડિયાર મંદિર પાસે એક ખેડૂત પર વીજળી પડી હતી. વાડીમાં પાલો ભરાત સમયે ઘનશ્યામભાઇ મન્સારામ પર વીજળી પડી હતી. જેથી તેને તાત્કાલીક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. આ જ પ્રકારે  સાવરકુંડલાના ગામડાઓમાં પણ ધોધમાર વરસાદ પડતા સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સાવરકુંડલાના બાઢડા વચ્ચે ધોધમાર વરસાદથી મગફળીના પાથરાઓ પલળી ગયા છે અને ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. ખેડૂતોના ઉભા પાક સાથે મગફળીના પાકને વ્યાપક નુકસાન થયું છે. આમ અમરેલી દિવાળીના તહેવાર સમયે જ જિલ્લાભરમાં વરસાદી માહોલ જામ્યો છે. ધારીનાં ચલાલા વાવડી, ગરમલી, ચરખા સહિતના વિસ્તારમાં વરસાદ પડ્‌યો હતો. અમરેલીના ખાંભામાં પણ વરસાદ પડતા ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું છે. હાલ માવઠાથી ઉપાડેલી મગફળીના પાકને નુકસાન થાય તેવી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. હાલમાં ખેડૂતો શિયાળુ પાકની તૈયારી કરતાં હોય છે. ત્યારે ખેડૂતોનાં માથે ફરી ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા છે. આ પહેલા લીલા દુષ્કાળને કારણે પણ ઘણો પાક નિષ્ફળ ગયો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર સહિતના પંથકોમાં દિવાળી તાકડે પણ વરસાદની અસર રહેશે તેવી આગાહી કરવામાં આવી છે, જેને પગલે ખેડૂતઆલમમાં બહુ મોટી ચિંતાની લાગણી પ્રસરી છે.

Previous articleશાસ્ત્રીની સ્કુલની મુલાકાત લઇ અપાયેલી ભાવાંજલિ
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે