લોખંડી સુરક્ષાની વચ્ચે અમરનાથ યાત્રા આજથી શરૂ : ભારે ઉત્સાહ

494

વાર્ષિક અમરનાથયાત્રા વિધિવતરીતે આવતીકાલથી શરૂ થઇ રહી છે જે ૪૬ દિવસ સુધી ચાલશે અને રક્ષાબંધનના દિવસે એટલે કે ૧૫મી ઓગસ્ટના દિવસે પૂર્ણ થશે. બાલતાલ માર્ગથી પહોંચનાર શ્રદ્ધાળુ પહેલી જુલાઈના દિવસે એટલે કે આવતીકાલે સૌથી પહેલા દર્શન કરી શકશે. જમ્મુથી સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે અમરનાથ યાત્રીઓનો પ્રથમ કાફલો આજે સવારે રવાના થયો હતો. જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકના સલાહકાર કેકે શર્માએ અમરનાથ યાત્રાના પ્રથમ જથ્થાને લીલીઝંડી આપીને રવાના કર્યો હતો. અમરનાથ યાત્રાના પ્રથમ જથ્થાની સાથે દર્શન માટે શ્રદ્ધાળુઓ પહોંચવા લાગી ગયા છે. બાબા બર્ફાની પવિત્ર ગુફામાં આ વખતે પૂર્ણ આકારમાં બિરાજમાન થયા છે. પ્રથમ જથ્થાની સાથે સીઆરપીએફ અને પોલીસની ટુકડી પણ રવાના થઇ હતી. રવાના થયેલા શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રાજ્ય માર્ગ પરિવહન નિગમની બસમાં સવાર થયેલા શ્રદ્ધાળુઓ ભોલેના જયકારા લગાવી રહ્યા હતા. અમરનાથ યાત્રાને લઈને શ્રદ્ધાળુઓમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ યાત્રાને લઈને તમામ તૈયારીઓ પહેલાથી જ પૂર્ણ કરી લેવામાં આવી છે. પહેલગામ અમરનાથ યાત્રાના બેઝ કેમ્પ તરીકે છે.

ત્યાંથી અમરનાથની પવિત્ર યાત્રા ચાલતા શરૂ થાય છે. આ ઉપરાંત બાલતાલથી પણ બીજો રસ્તો અમરનાથ ગુફા માટે હોય છે. લાખો શ્રદ્ધાળુઓ પહેલાથી જ નોંધણી કરાવી ચુક્યા છે. અમરનાથ યાત્રાને લઈને સરકારની ગંભીરતાનો અંદાજ આનાથી જ લગાવી શકાય છે કે આ વખતે અમરનાથ યાત્રા પહેલા નવી સરકારમાં ગૃહમંત્રી બનેલા અમિત શાહ તૈયારીઓ અને સુરક્ષા પાસાની સમીક્ષા કરી ચુક્યા છે.  અમરનાથ યાત્રા દરમિયાન કોઇપણ બનાવ ન બને તે માટે પુરતા પગલા લેવામાં આવી રહ્યા છે. આ વખતે યાત્રાના રુટ ઉપર અર્ધલશ્કરી દળોની ૨૦૧૩થી વધુ વધારાની કંપનીઓ તૈનાત કરવામાં આવનાર છે. યાત્રાની શરૂઆત પહેલા જ સુરક્ષા પાસાઓ ઉપર જાણકારી મેળવવા અમિત શાહ પહોંચ્યા હતા. તેઓએ બેઠક યોજી હતી. તમામ સુરક્ષા પાસાઓની ચકાસણી કરવામાં આવી હતી. અમરનાથ યાત્રા જવા ઈચ્છુક લોકો દેશના જુદા જુદા હિસ્સામાંથી સરળતાથી પહોંચી શકે છે. વિમાની માર્ગે, ટ્રેન મારફતે પણ પહોંચી શકાય છે. પહેલગામ અથવા બાલતાલ સુધી કોઈપણ વાહનથી પહોંચી શકાય છે પરંતુ ત્યારબાદ ચાલતા જવાનું હોય છે. બાલતાલ અને પહેલગામથી અમરનાથની પવિત્ર ગુફા સુધી પહોંચવાના બે રસ્તાઓ છે. આ બનંને રસ્તા શ્રીનગરથી ખૂબ સારી રીતે જોડાયેલા છે. મોટાભાગે શ્રદ્ધાળુ શ્રીનગરથી પોતાની યાત્રા શરૂ કરે છે. પહેલગામથી અમરનાથની પવિત્ર ગુફા ૪૮ કિલોમીટરના અંતરે છે જ્યારે બાલતાલથી પવિત્ર ગુફા ૧૪ કિલોમીટરના અંતરે છે. બાલતાલ રૂટથી અમરનાથ ગુફા સુધી સરળતાથી અને ઓછા સમયમાં પહોંચી શકાય છે પરંતુ આ રસ્તો ખૂબ જ મુશ્કેલરૂપ છે. જેથી મોટી વયના લોકો આ રૂટનો ઉપયોગ કરી શકતા નથી. પહેલગામ અમરનાથ માટે ઐતિહાસિક અને જુના માર્ગ તરીકે છે. આ રૂટથી ગુફા સુધી પહોંચવા ત્રણ દિવસ લાગે છે.

Previous articleપાણી બચાવવા માટે જળ સંરક્ષણને જનઆંદોલન બનાવો : મોદી
Next articleઅમરેલી જિલ્લાના દલખાણિયામાં ઇયળોનો ત્રાસ : ગ્રામજનો હિજરત કરવા મજબૂર બન્યા