રાજકોટ પોલીસ બેડામાં કાન સરવા થઈ જાય તેવી ઘટના બની છે. રાજકોટના ૧૫૦ ફૂડ રીંગ રોડ પર કટારીયા શો રૂમની આગળ પંડિત દિનદયાલ નગર હાઉસિંગ બોર્ડ આવેલું છે. તેના ક્વાર્ટર નં. ઈ-૪૦૨માં મહિલા એએસઆઈ ખુશ્બુ કાનાબાર (ઉંમર ૨૮ વર્ષ) અને કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજા (ઉંમર ૩૦ વર્ષ) રહેતા હતા. તેમણે ગઈકાલે મોડી રાત્રે લમણે ફાયરિંગ કરીને આત્મહત્યા કરી હતી. બંને સાથે જ અહી રહેતા હતા અને બંનેએ પોતાની સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કરી છે. જોકે, બંને પોસાથી કોઈ સ્યુસાઈડ નોટ મળી નથી, તેથી પોલીસ પણ આ કેસમાં ગૂંચવાઈ છે. ખુશ્બુ કાનાબાર રાજકોટના યુનિવર્સિટી પોલીસ મથકમાં મહિલા એએસઆઈ તરીકે ફરજ બજાવતી હતી. તો રવિરાજ ડી સ્ટાફના કોન્સ્ટેબલ તરીકેની સેવામાં હતો. આ બનાવ બાદ રાજકોટ પોલીસ દોડતી થઈ હતી. ડીસીપી રવિ મોહન સૈની સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
સૂત્રો દ્વારા માહિતી મળી કે, આ સમગ્ર પ્રકરણમા પ્રેમપ્રકરણ કારણભુત હોવાની ચર્ચાએ તપાસ થઇ રહી છે. ઘટના બની એ કવાર્ટર મહિલા એએસઆઇ ખુશ્બૂબેન કાનાબારે ભાડેથી રાખ્યાનું કહેવાય છે. રવિરાજસિંહ એ. જી. સોસાયટી આસપાસ રહેતાં હતાં. પણ, બંને એકસાથે કેવી રીતે આવ્યા અને બંને વચ્ચે શું થયું હતું તે દિશામા પોલીસ તપાસ કરી રહી છે.
પોલીસે પ્રાથમિક તપાસ બાદ કહ્યું કે, બંનેએ ગોળી મારી આપઘાત કર્યો હોવાની પોલીસને શંકા છે. બંને સર્વિસ રિવોલ્વરથી જ આત્મહત્યા કરી છે. આ અંગે અમે તપાસ કરી રહ્યાં છે.


















