શહેરમાં ઉધના વિસ્તારમાં ચોરીનો બનાવ સામે આવ્યો હતો. જેમાં શહેરમાં આવેલા ઉધના વિસ્તારમાં યુવક પર મેલું નાખીને બે લાખ રૂપિયા ભરેલી બેગને ગઠિયો લઈને ફરાર થઈ ગયો હતો. આ અંગે યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે ગઠિયાની તપાસ હાથ ધરી છે.
શહેરના ઉધના વિસ્તારમાં દુકાનમાં યુવક જ્યુસ પીવા માટે ઉભો હતો. તે સમય દરમિયાન એક ગઠિયાએ તે યુવકના શર્ટ પર મેલું ફેક્યું હતું. જેને કારણે યુવકને શરીરમાં ખંજવાળ આવતા તેણે શર્ટ ઉતારવા માટે બે લાખ રૂપિયાથી ભરેલી બેગને દુકાનની ખુરશી પર મુકી હતી. જેનો લાભ લઈને ગઠિયાએ યુવકની નજર ચૂકવીને રૂપિયાનું બેગ લઈને ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના બાદ યુવકને પોતાનું રૂપિયા ભરેલું બેગ જોવા ન મળતા બેગની શોધખોળ કરી હતી.
ત્યારબાદ યુવકે દુકાનના સીસીટીવી કેમેરામાં તપાસ કરતા દુકાનમાં પહેલેથી જ બેસેલો અજાણ્યો ગઠિયો રૂપિયા ભરેલી બેગને લઈને ફરાર થઈ ગયો હતો. આ ઘટના બાદ યુવકે ઉધના પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ઉધના પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવીને ગઠિયાની શોધખોળ હાથ ધરી છે.


















