રાજેન્દ્ર ત્રિવેદીની વિધાનસભા અધ્યક્ષ તરીકે કરાયેલ પસંદગી

696
guj1722018-8.jpg

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી તા.૧૯મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે, ત્યારે આજે ભાજપ દ્વારા સત્તાવાર રીતે વિધાનસભાના અધ્યક્ષ તરીકે વડોદરાની રાવપુરા બેઠકના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીના નામની જાહેરાત કરાઇ હતી. જો કે, આ માટે આવતીકાલે રાજેન્દ્ર ત્રિવેદી વિધિવત્‌  આ અંગેનું ફોર્મ ભરશે. બીજીબાજુ, ભાજપ દ્વારા રાજેન્દ્ર ત્રિવેદીના નામની સત્તાવાર જાહેરાત થતાં જ વડોદરા ખાતે તેમના ઘેર ખુશીનો માહોલ છવાયો હતો. તેમના સમર્થક-ટેકેદારોએ ફટાકડા ફોડીને આ ખુશીના સમાચારની ઉજવણી કરી હતી. તો, ત્રિવેદીએ પણ સ્થાનિક આગેવાનો અને સમર્થકોને મોં મીઠુ કરાવ્યું હતું. હાલ ગુજરાત વિધાનસભાના પ્રોટેમ સ્પીકરની જવાબદારી ડો.નીમાબહેન આચાર્ય સંભાળી રહ્યા છે.  જો કે, વિધાનસભાના નવા અધ્યક્ષ તરીકે વડોદરાના રાવપુરા બેઠકના ભાજપના ધારાસભ્ય રાજેન્દ્રભાઇ ત્રિવેદીનું નામ પહેલેથી જ નક્કી મનાઇ રહ્યું હતું કારણ કે, તેમની નારાજગી દૂરવાની વાત હતી. જેથી આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ વિધાનસભા અધ્યક્ષપદે ભાજપ દ્વારા પસંદગી કરાઇ હોઇ તેમના નામની સત્તાવાર જાહેરાત કરી હતી. જેથી હવે મધ્ય ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા રાજેન્દ્ર ત્રિવેદી આવતીકાલે સવારે ૧૧ વાગ્યે વિધાનસભા કાતે મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સાથીઓ અને પ્રદેશ આગેવાનોની હાજરીમાં અધ્યક્ષપદ માટેનું ફોર્મ ભરશે. બીજીબાજુ, વાઘાણીએ કોંગ્રેસ પક્ષને પણ વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી બિનહરીફ થાય તે માટે વિનંતી કરી હતી. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાતળી બહુમતીથી ભાજપ સરકાર બની હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીની નવી સરકારમાં પણ મંત્રીમંડળની રચના બાદ એક પછી એક મુદ્દાઓને લઇ નારાજગી જોવા મળી હતી. જેમાં નાણાંખાતાને લઇ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના વિરોધનો વિવાદ ખૂબ ચગ્યો હતો. એટલું જ નહી, વડોદરા શહેર જિલ્લા ખાસ કરીને મધ્ય ગુજરાતના પ્રતિનિધિત્વને પ્રધાનમંડળમાં સ્થાન નહી મળતાં રાજેન્દ્ર ત્રિવેદીનું નામ કપાતાં એક વર્ગ નારાજ થયો હતો. બીજીબાજુ, મંત્રી પરસોત્તમ સોલંકીએ પણ મંત્રી પદ લેવા સામે નારાજગી દર્શાવી હતી. આમ, ભાજપ માટે એક પછી એક પડકારજનક સ્થિતિ આવીને ઉભી હતી, ત્યારે મધ્યગુજરાતના પ્રતિનિધિત્વને ન્યાય આપવાના ભાગરૂપે આખરે ભાજપ દ્વારા વડોદરાની રાવપુરા બેઠકના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીને અધ્યક્ષપદે નિયુકિત કરવાનું નક્કી કરાયું હતું અને તે મુજબ તેની જાહેરાત આજે કરવામાં આવી હતી. બીજીબાજુ, તા.૧૯મી ફેબ્રુઆરીથી તા.૨૮મી ફેબ્રુઆરી સુધી ચાલનારું વિધાનસભા બજેટ સત્ર નર્મદાના પાણી, ખેડૂતોને ટેકાના ભાવ, બેરોજગારી સહિતના પ્રશ્નોને લઇ તોફાની બને રહેવાની પૂરી સંભાવના છે.  દરમ્યાન તા.૧૯મી ફેબ્રુઆરીએ વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી બાદ ગુજરાત રાજયના રાજયપાલ તેમનું વિશેષ પ્રવચન આપશે. બીજા દિવસે એટલે કે, તા.૨૦મી ફેબ્રુઆરીએ નાણાં વિભાગનો હવાલો સંભાળતા રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ મહત્વનું બજેટ રજૂ કરશે. જો કે, તા.૧૯મી ફેબ્રુઆરીથી તા.૨૮મી ફેબ્રુઆરી સુધી ચાલનારુઆ વખતનું વિધાનસભા બજેટ સત્ર નર્મદાના પાણી, ખેડૂતોને પોષણક્ષણ ટેકાના ભાવ, યુુવાનોની બેરોજગારી, મોંઘવારી, પેટ્રોલ-ડિઝલના ભાવોમાં ઉછાળા સહિતના સંખ્યાબંધ પ્રશ્નોને લઇ તોફાની બની રહેવાની પૂરી સંભાવના છે. કારણ કે, વિપક્ષ કોંગ્રેસે આ બધા મુદ્દાઓને લઇ પહેલેથી જ શાસક પક્ષ ભાજપને ઘેરવાની તૈયારી કરી રાખી છે તો, ભાજપે પણ વિપક્ષની વ્યૂહરચનાને ઉંધી વાળવાના પ્લાન ઘડી રખાયા છે.