ભરૂચમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, પાણીમાં વાહનો તણાયા!

815
guj1582017-11.jpg

વરસાદની ગેરહાજરીને કારણે ભરૂચ સહિતના રાજ્યમાં બફારાનું પ્રમાણ વધતાં લોકો ત્રાહિમામ્‌ પોકારી ગયાં છે. ત્યારે ગુરુવારે ભરૂચમાં વહેલી સવારથી ગરમી અને બફારાનું પ્રમાણ વધ્યું હતું. જોકે, બપોરના સમયે ધોધમાર વરસાદી ઝાપટાં પડ્યા હતા અને ભરૂચ જિલ્લામાં અનેક જગ્યાઓ પર વીજળી ત્રાટકી હતી. વરસાદ બાદ ઠંડા પવન સાથે વાવાઝોડું ફૂંકાયા બાદ વાતાવરણમાં પલટો આવતાં ઠંડકનું પ્રમાણ વધતાં લોકોએ રાહતનો શ્વાસ લીધી હતો. બપોરના સમયે અચાનક ભરૂચ જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ભરૂચમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં દોઢ કલાકમાં ૨ ઈંચથી વધારે વરસાદ પડ્યો હતો. ભરૂચના કતોપોર બજાર ચાર રસ્તા વિસ્તારમાં ભારે વરસાદને પગલે પાણીમાં કેટલાક વાહનો તણાયા હતાં. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયું હતું, જ્યારે ઢાળ વાળા વિસ્તાર હોવાથી પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો હતો જેના કારણે વાહનો પાણીમાં તણાઈ રહ્યા હતાં. અપરએર સરક્યુલેશન સર્જાયું હોવાથી આગામી ૨૪ કલાક દરમિયાન રાજ્યમાં વરસાદી ઝાપટાં ચાલુ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે.  વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાંથી લઇને હળવોથી મધ્યમ વરસાદની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

Previous articleભાવનગર શહેર-જિલ્લાના સ્વાઈન ફ્લુનો પ્રકોપ યથાવત : બેના મોત કુલ આંક ૪પ
Next articleઅકી આબે અંધજન મંડળની મુલાકાત દરમિયાન ભાવવિભોર