જિલ્લાની ૩ ન.પા.માં સરેરાશ ૬૧.પ૭ ટકા મતદાન

616
bvn1822018-9.jpg

રાજ્યભરની સાથોસાથ ભાવનગર જિલ્લાની ત્રણ નગરપાલિકા ચૂંટણી આજે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે યોજાઈ હતી અને સાંજ સુધીમાં શાંતિપૂર્ણ રીતે ત્રણેય ન.પા. મળીને ૬૧.પ૭ ટકા જેટલું મતદાન થયેલ. હવે સોમવારે ત્રણેય નગરપાલિકાની ચૂંટણીથી તાલુકા મથકો ઉપર મતગણતરી થશે.
ભાવનગર જિલ્લાના સિહોર, તળાજા અને ગારિયાધાર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તેમજ પાલીતાણા ન.પા.ના એક વોર્ડની પેટા ચૂંટણીનું આજે મતદાન થયું હતું. આજે સવારથી જ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ત્રણેય તાલુકામાં મતદાન શરૂ થયેલ. હજુ બે માસ પૂર્વે જ વિધાનસભાની ચૂંટણી યોજાઈ હોય અને તુરંત જ નગરપાલિકાની ચૂંટણી આવતા માહોલ જળવાઈ રહ્યો છે પરંતુ ઉમેદવારોને મતદારોનો મીજાજ પારખવો અઘરો થઈ પડ્યો હતો. નગરપાલિકાની ચૂંટણીમાં કેટલાક બુથો ઉપર સામાન્ય મુશ્કેલીઓને બાદ કરતા શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું.
હાલના સમયમાં લગ્નગાળો ચાલતો હોવાના કારણે કેટલાક બુથો ઉપર ઓછુ મતદાન થયેલ. જ્યારે કેટલાક બુથો ઉપર મતદારોની લાંબી કતારો લાગી હતી. સિહોરની વાત કરીએ તો બુથ ફરતા મતદારોને પોતાનું મતદાન મથક શોધવા દોડાદોડી થયેલી કેટલાક બુથો ઉપર હોબાળો થયો હતો. સાંજ સુધીમાં શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન થતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.
આજે સિહોરમાં ૩૬ બેઠકો માટે થયેલ ચૂંટણીમાં સરેરાશ ૬પ.૩૧ ટકા, તળાજામાં ર૭ બેઠકો માટે ૬૪.૮ર ટકા અને ગારિયાધારમાં ર૮ બેઠકો માટે ૬પ.૩૧ ટકા મળી કુલ ૬૧.પ૭ ટકા સરેરાશ મતદાન થયેલ. જ્યારે પાલીતાણાની ૧ બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાં ૪૯.૪૩ ટકા મતદાન થયું હતું. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તમામ નગરપાલિકાની ચૂંટણીના ઈવીએમને સીલ કરીને તાલુકા મથકોએ સ્ટ્રોંગ રૂમમાં મુકવામાં આવ્યા હતા. તા.૧૯ને સોમવારે મતગણતરી કરવામાં આવશે અને બપોર સુધીમાં પરિણામો પણ જાહેર કરી દેવામાં આવશે. બન્ને પક્ષે વિજય થવાના દાવા કરાઈ રહ્યાં છે.