સતત ૧૭ કલાક અને ૪૦ મિનિટ સુધી કામગીરી થઈ

672

ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં પહેલીવાર વિધાનસભા ગૃહ મધરાત બાદ પણ ચાલુ રહ્યું હતું. ૧૪મી વિધાનસભાનાં છેલ્લા દિવસે શુક્રવારે સત્ર સળંગ અને સતત ૧૭ કલાક અને ૪૦ મિનિટ સુધી ચાલ્યાનો સૌથી લાંબા સમય સુધી કાર્યરત રાખવાનો રેકોર્ડ સર્જાયો હતો. વહેલી પરોઢે ૩.૪૦ સુધી ચાલેલા વિધાનસભા ગૃહની કામગીરી દરમ્યાન નવ મહત્વના બીલ પસાર કરવામાં આવ્યા હતા. ગુજરાત વિધાનસભાની સત્રની કામગીરીમાં સૌથી લાંબા સમય સુધી કામ કરવાના આ અનોખા રેકોર્ડમાં શાસક પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસના સભ્યોનો સહિયારો ફાળો રહ્યો હતો. જેના કારણે આ રેકોર્ડ શકય બન્યો હતો. સાથે જ છેલ્લા દિવસે એક, બે નહીં પરંતુ ૯-૯ બિલ પાસ કર્યાનો અનોખો રેકોર્ડ પણ બન્યો હતો.

વિધાનસભા ગૃહમાં સવારે ૧૦ વાગ્યે આરંભાયેલી ગૃહની કાર્યવાહી મોટેભાગે ૨.૩૦ કલાકે પૂરી થઈ જતી હોય છે. પરંતુ શુક્રવારે હાથ ધરવામાં આવેલા સત્રમાં નવ બિલ રજૂ થયા હતા. જેમાં સિંચાઈ, ઘરવપરાશ પાણી, કૃષિ યુનિવર્સિટીના સુધારા વિધેયક, ગણોત ધારાબિલ, ખાનગી યુનિવર્સિટી પરનાં બે બિલ, શહેરી વિકાસ સહિતના વિધેયક પર લાંબી ચર્ચા ચાલી હતી. જેને પગલે ગૃહ અડધી રાત વીત્યા બાદ પણ ચાલ્યું હતું. તેમાં શાસક પક્ષ અને વિરોધ પક્ષના નેતાઓ જોડાયા હતા. સવારે ૧૦ વાગ્યાથી શરૂ થયેલું સત્ર છેક મોડી રાત અને વહેલી પરોઢના ૩.૪૦ કલાક સુધી ચાલ્યુ હતું.  આ ઐતિહાસિક ક્ષણે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની આગેવાનીમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિતના નેતાઓ જોડાયા હતા.

શાસક પક્ષ અને વિપક્ષના સભ્યો ગૃહના આ અનોખા રેકોર્ડમાં યોગદાન આપનાર મહત્વના સાક્ષી બની રહ્યા હતા. સળંગ ૧૭ કલાક અને ૪૦ મિનિટ સુધી ગૃહની કામગીરી ચાલી હોવાના કારણે ધારાસભ્યો માટે રાત્રિના ભોજનની વ્યવસ્થા પણ વિધાનસભા પરિસરમાં જ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે, આ પહેલા ૧૯૯૧માં ગૃહ રાતના ૧૧.૩૨ કલાક સુધી ચાલ્યું હતું. એ રેકોર્ડ ૨૮ વર્ષ બાદ આખરે તૂટયો હતો અને ૨૦૧૯માં ગૃહની કામગીરી પરોઢના ૩-૪૦ મિનિટ સુધી ચાલવાનો અને સળંગ ૧૭ કલાક અને ૪૦ મિનિટ સુધી કામગીર કરવાનો અનોખો રેકોર્ડ સર્જાયો હતો. ગુજરાતના રાજકારણમાં આ એક નોંધપાત્ર સિધ્ધિ તરીકે લેખાશે.

Previous articleઅક્ષરધામ કેસ : ત્રાસવાદી  બટ્ટ છ દિનના રિમાન્ડ પર
Next article૫ દિવસ અતિભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના