ધોળા દિવસે આંગડિયાના કર્મીનાં થેલામાંથી ૧૭ લાખ લઇ બે લૂંટારૂ ફરાર

475

શહેરમાં ઢેબર રોડ પર જૂના બસ સ્ટેન્ડ પાસે ધોળા દિવસે રમેશ કાંતિલાલ આંગડિયા પેઢીના કર્મચારી પંકજ રામાભાઇ પટેલને બાઇક પર આવેલા બે શખ્સોએ પોતે પોલીસ છે તેમ કહી રોક્યો હતો. બાદમાં તારા થેલામાં ચપ્પુ અને ગેરકાયદેસર ચીજવસ્તુઓ છે, ચેક કરવો પડેશે તેમ કહી લાફો મારી ચેકિંગ કર્યું હતું. બાદમાં બંને શખ્સો ૧૭ લાખ ભરેલો થેલો લઇ ફરાર થઇ ગયા હતા.

ઉત્તર ગુજરાતથી રાજકોટ આવેલો કર્મચારી પંકજ ઢેબર રોડ પર જૂના બસ સ્ટેશન પાસે બસમાંથી ઉતરીને સોની બજાર તરફ ચાલીને જતો હતો. ત્યારે પલ્સર બાઇક પર બે શખ્સ આવ્યા હતાં અને તેણે રેઇનકોટ તથા ટોપી પહેરેલા હતાં. આંગડિયા કર્મચારીને તારા થેલામાં ચપ્પુ અને બીજી ગેરકાયદેસર ચીજવસ્તુઓ છે તેમ કહી પોતે પોલીસ હોવાની ઓળખ આપી હતી અને આઇકાર્ડ પણ બતાવ્યું હતું. એ પછી થેલો ચેક કરવાનું નાટક કર્યું હતું. આંગડિયા કર્મચારીએ જો તમે પોલીસ હોવ તો મને પોલીસ સ્ટેશને લઇ જઇને ચેક કરો તેમ કહેતાં તેને લાફો મારી દીધો હતો અને તેનો થેલો આંચકી તેમાંથી ૧૭ લાખની રોકડના બંડલો લૂંટારાઓએ પોતાની પાસેના થેલામાં લઇ લીધા હતા અને આંગડિયા કર્મચારીને તું રિક્ષામાં બેસ, પોલીસ સ્ટેશને લઇ જવો પડશે તેમ કહી રિક્ષામાં બેસાડ્યો હતો અને બંને ભાગી ગયા હતાં. મામલો એ-ડિવીઝન પોલીસ સુધી પહોંચતા પોલીસ ટીમ તથા ક્રાઇમ બ્રાંચનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. સીસીટીવી કેમેરા ચેક કરવા સહિતની અને નાકાબંધીની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Previous articleપ્રમા હિકવિઝને ગુજરાતમાં હિકવિઝન એક્સ્પોમાં ‘બ્રેવરી એવોર્ડઝ’નો પ્રારંભ
Next articleઇસુઝુ મોટર્સ ઇન્ડિયા ગુજરાતમાં તેના નેટવર્કને મજબૂત બનાવે છે