શાળા કોલેજો પાસે રોમિયોગીરી અટકાવવા પોલીસની ખાસ ડ્રાઈવ

587

રાજયના પાટનગર ગાંધીનગર શહેર અને જિલ્લામાં શાળા કોલેજો આસપાસ અસામાજીક પ્રવૃતિ આચરતા રોમિયો યુવાનોને સબક શિખવાડવાના હેતુથી આગામી એક અઠવાડીયા સુધી પોલીસની ખાસ ડ્રાઈવ યોજાવાની છે. જે અંતર્ગત તમામ થાણાં ઈન્ચાર્જોને શૈક્ષણિક સંસ્થાઓ આસપાસ સખત પેટ્રોલીંગ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે. જેમાં નંબર વગરના વાહનો અને સ્ટંટ કરતાં લબરમુછીયાઓને પકડવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે.

ગાંધીનગર શહેર શૈક્ષણિક હબ બની ગયું છે ત્યારે અહીં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે. ત્યારે હજારોની સંખ્યામાં અહીં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ સંસ્થાઓની આસપાસ યુવતિઓની છેડતી કરતાં રોમિયો યુવાનો અને નશાકારક પદાર્થ વેચતાં અસામાજીક તત્ત્વો પણ સક્રિય થયા છે.

તો શાળા કોલેજના સમય બાદ બાઈક લઈને સ્ટંટ કરતાં લબરમુછીયાઓ પણ જોવા મળતાં હોય છે ત્યારે આ પ્રવૃતિને ડામવા માટે ગાંધીનગર પોલીસ દ્વારા હવે સ્કુલ કોલેજો પાસે એક અઠવાડીયા સુધી ખાસ ડ્રાઈવ અને કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગાંધીનગર શહેર અને શહેરની બહાર આવેલી શાળા કોલેજો ફરતે દરરોજ પોલીસને પેટ્રોલીંગ કરવા માટે તાકીદ કરવામાં આવી છે અને આ શૈક્ષણિક સંસ્થાઓની આજુબાજુમાં બેસતાં વ્યક્તિઓની ચકાસણી કરવા માટે સુચના અપાઈ છે તો નંબર વગરના વાહનો લઈ શૈક્ષણિક સંસ્થામાં આવતાં વિદ્યાર્થીઓ સામે પણ કડક હાથે પગલાં ભરવા કહેવાયું છે.

આ શૈક્ષણીક સંસ્થાઓ પાસે વેપાર કરતાં પાન ગલ્લાના વેપારીઓ, ચાની લારીઓ અને બેસી રહેતા લોકોના નામ સરનામાંની યાદી પણ તૈયાર કરવા માટે કહેવાયું છે. આ કામગીરી કર્યા બાદ તેનો રીપોર્ટ પણ જિલ્લા પોલીસ વડા સુધી પહોંચાડવા માટે તાકીદ કરવામાં આવી છે. ત્યારે શાળા કોલેજોની આસપાસ અસામાજીક પ્રવૃતિ આચરતાં આવા તત્ત્વોને સબક શીખવાડવા એક અઠવાડીયા સુધી ડ્રાઈવ ચાલશે.

Previous articleચિલોડાની શાળાના આચાર્યએ વિદ્યાર્થીને લાફો મારતાં હોબાળો
Next articleહાઉસિંગ બોર્ડના ૨૫ વર્ષથી વધુ જુના મકાનોનો પુનઃ વિકાસ કે પુનઃ નિર્માણ હવે શક્ય બનશે