સુરતના ઓલપાડમા આભ ફાટ્યું : પ કલાકમાં ૧૪ ઈંચ

744

સુરતના ઓલપાડમાં આભ ફાટ્યું હોય તેમ માત્ર પાંચ જ કલાકમાં ૧૪ ઈંચથી વધુ વરસાદ ખાબકતાં સર્વત્ર જળબંબાકાર અને પૂરની સ્થિતિ ઉભી થઈ છે. તો, માગંરોળમાં પણ ૧૨ ઇંચથી વધુ વરસાદ ખાબકતાં સર્વત્ર પાણી જ પાણી ભરાઇ ગયા હતા. સમગ્ર પંથકના રસ્તાઓ અને વિસ્તારો આખા પાણીમાં ગરકાવ થઈ જતાં જળાશય બની ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. કીમ નદી ભયજનક સપાટી વટાવીને ઓવરફ્‌લો થતાં ઓલપાડ અને કીમ નદીની આસપાસના ગામડાઓને એલર્ટ પર મુકી દેવામાં આવ્યાં છે. તો, તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે સ્કૂલ કોલેજમાં રજાઓ જાહેર કરી દેવામાં આવી છે. ઓલપાડનો હાથીસા રોડ સંપર્ક વિહોણો થઈ ગયો હતો અને તેના પરથી પાણી ફરી વળ્યાં હતા. અતિ ભારે વરસાદથી  અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા અને ૧૫૦૦થી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવવાની ફરજ પડી હતી.  ભારે વરસાદના પગલે ઓલપાડના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. મોટાભાગના તમામ વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા અને રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.  ઓલપાડનું હાથીસા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. નીચાણવાળા વિસ્તારમાંથી હાલ ૧૫૦૦થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ઓલપાડમાં ભારે વરસાદના કારણે સેવા સદનમાં પાણી ઘુસી ગયાં હતા. તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારો અને સ્કૂલોમાં પાણી ભરાઈ ગયાં હતા, જેના કારણે શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી. ઓલપાડના સોંદલાખારા ગામની સરકારી શાળામાં કેડ સમા પાણી ઘુસી ગયાં હતા. બીજીબાજુ, માંગરોળમાં પણ ૧૨ ઇંચથી વધુ વરસાદ ખાબકતાં સર્વત્ર પાણી ફરી વળ્યા હતા. ઉમરગામમાં પણ નવ ઇંચથી વધુ વરસાદ ખાબકતાં સર્વત્ર જળબંબાકાર બની ગયુ હતુ. તો, જિલ્લાના વાપીમાં ૨૪ કલાકમાં ૯ ઇંચ વરસાદ પડતા ઠેરઠેર પાણી ભરાયા હતા. ભારે વરસાદને લીધે તારાજી સર્જાઈ હતી. ક્યાંક નાના મોટા ઝાડ પડવાના અને લોકોના ઘરોમાં, દુકાનોમાં પાણી ભરાવાના બનાવો પણ બન્યા હતા. સમગ્ર જિલ્લામાં પારડી, કપરડામાં સૌથી વધુ ૧૧ ઇંચ વરસાદ નોંધાયો હતો. જેને લઇને સમગ્ર જિલ્લામાં જનજીવન ઠપ્પ થઇ ગયું છે. વિગતો અનુસાર, શુક્રવારના રોજ ધીમીધારે વરસી રહેલા વરસાદે રાત્રે ધોધમાર આકાશી પાણી વરસાવ્યું હતું. શુક્રવારની રાત્રીના ૧૦ વાગ્યાથી શનિવારના સવારના ૬ વાગ્યા સુધીમાં વાપીમાં ૫ ઇંચ વરસાદ વરસતા ઠેરઠેર પાણી ભરાયા છે.

સમગ્ર જિલ્લામાં જોઇએ તો, ઉમરગામ, કપરાડા, ધરમપુર, પારડી, વલસાડ, વાપી, ઉપરાંત નવસારી, તાપી, ડાંગ અને સુરત સહિતના પંથકોમાં ભારેથી અતિ ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી.આ તમામ પંથકોના લોકો પૂરના અને વરસાદી ડૂબમાં ઘેરાયેલા અને હાલાકીમાં મૂકાયેલા જોવા મળતા હતા. તંત્ર પણ આભ ફાટવાના કારણે દોડતુ થયુ હતુ પરંતુ રાહત અને બચાવની કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.

ઢાઢર નદીમાં પૂરને લીધે કાંઠા વિસ્તારના ગામો એલર્ટ ઉપર

વડોદરામાં વિશ્વામિત્રીમાં આવેલા પૂર અને વડોદરા જિલ્લામાં વરસેલા વરસાદને પગલે ઢાઢર નદી બે કાંઠે વહી રહી છે. હાલ ઢાઢર નદી કાંઠાના ૨૨ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો, વડોદરા, પાદરા, કરજણ, આમોદ સહિતના પંથકોમાં પણ આજે ભારે વરસાદ પડતાં એક હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ઢાઢર નદીમાં આવેલા પૂરને પગલે પાદરા-કરજણ રોડ બંધ કરી દેવામાં આવ્યો છે. અને પાદરાની સિટી બસ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. તો, વિશ્વામિત્રી નદીમાં ફરી જળસપાટી વધતાં તેના કાંઠાના ગામડાઓ અને વિસ્તારોમાં નદીના પૂરના પાણી ફરી વળ્યા હતા. વડોદરામાં અનરાધાર વરસાદ વરસવાને કારણે જંબુસર અને આમોદ તાલુકામાંથી વહેતી ઢાઢર નદીમાં પૂરના પાણી ભરાયાં છે. બન્ને તાલુકાઓના ૧૦ ગામોને પુરના પાણીની અસર સર્જાઇ છે. જેના પગલે હરકતમાં આવેલાં વહીવટી તંત્રએ આમોદના પુરસા, કાંકરિયા તેમજ જૂના વાડિયા અને જંબુસરના કુંઢડ તથા મગણાંદ ગામે રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી છે.

વડોદરામાં પડેલાં ભારે વરસાદની અસર માત્ર વડોદરા શહેર પર જ નહીં પરતું ભરૂચ જિલ્લાના આમોદ અને જંબુસર તાલુકાના ૧૦ ગામો પર પણ પડી છે. વડોદરાના પુરના પાણી ઢાઢર નદીમાં ઠલવાતાં આમોદ અને જંબુસરમાંથી પસાર થતી ઢાઢર નદી તેની ભયજનક સપાટી સુધી પહોંચી છે. દરમ્યાન વલસાડની ઓરંગા નદી ભયજનક સપાટી સુધી વહી રહી હતી, જેના કારણે તંત્ર એલર્ટ થઇ ગયુ હતું.

ખંભાતમાં ૧૨ કલાકમાં ૧૭ ઇંચ વરસાદ

આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં સવારથી મેધરાજાએ જોરદાર અને બહુ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. એક તબક્કે ખંભાતમાં આભ ફાટતાં માત્ર ૧૨ કલાકમાં જ ૧૭ ઇઁચ જેટલો અતિ ભારે વરસાદ ખાબકતાં સમગ્ર ખંભાત જાણે બેટમાં ફેરવાયું હતું. જેને પગલે હવે ખંભાતમાં પણ વડોદરાવાળી થવાનો ભય સતાવી રહ્યો છે. ખંભાત શહેરના માર્ગો પર દરિયાના મોજાની જેમ પાણી વહેતા જોવા મળ્યા હતા. ખંભાતમાં આટલાબધા એકસાથે ખાબકેલા વરસાદને પગલે ખંભાતવાસીઓ ભારે હાલાકીમાં મૂકાયા હતા. સમગ્ર ખંભાત જાણે પાણીના ડૂબમાં જવાના કારણે મહિલાઓ, બાળકો અને વૃધ્ધો-અશકત-બિમાર લોકોની હાલત ભારે કફોડી બની હતી. આજે વહેલી સવારથી જ ખંભાતમાં મેઘરાજાની પધરામણી અને સતત પડી પહેલા વરસાદના પગલે શહેર દરિયામાં ફેરવાયું હતું. ખંભાત તો પોતે જ દરિયાકિનારે આવેલું શહેર છે છતાં, જાણે આજે આભ ફાટતાં ખંભાતમાં બીજો દરિયો સર્જાયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આજે બપોરના ૧૨ થી ૩માં સવા નવ ઇંચ વરસાદ ખાબક્યો અને દિવસ દરમિયાન ૧૨ કલાકમાં ૧૭ ઇંચ જેટલો અતિ ભારે વરસાદ વરસતાં ખંભાત આખુ પાણીમાં જાણે ડૂબી ગયુ હતુ. અતિ ભારે વરસાદને પગલે ખંભાતાના સાલવા, જહાંગીરપુર, રબાડીવાડ,સાગર સોસાયટી,મોચીવાડ, બાવા બાજીસા સહિતના વિસ્તારોમાં કેડ સમા પાણી ભરાઇ ગયા હતા. ભારે વરસાદના પગલે નગરજનોને ઘરમાં પુરાઇ રહેવાનો વખત આવ્યો હતો. દોઢ માસમાં માત્ર ૮ ઇંચ વરસાદ નોંધાયો હતો, તેની સામે આજે બપોરે માત્ર ત્રણ કલાકમાં ૯ કલાકમાં સાડા તેર ઇંચ વરસાદ ખાબકતા સીઝનના વરસાદની ખોટ ભાગી નાંખી હતી. ખંભાત શહેરમાં છેલ્લા દોઢ માસ સુધી માત્ર છુટાછવાયા વરસાદી ઝાપટા પડતા હતા.

ખેતી લાયક વરસાદ થતો ન હતો જેથી ખેડૂતો સહિત સૌ કોઇ ચિંતિત હતા. પરંતુ વરૂણદેવ એક દિવસમાં ખંભાત પર વધુ પડતી મહેર વરસાવી હતી. જેના પગલે સાંજના છ વાગ્યા સુધી વરસાદ ૧૭ ઇંચ જેટલો અતિ ભારે વરસાદ નોંધાયો હતો. હજુ પણ ભારે વરસાદ વરસી રહ્યો છે.ત્યારે હવે ખંભાતવાસીઓને વડોદરાવાળી થવાનો ભય સતાવી રહ્યો છે. વરસાદને કારણે બપોર બાદ સમુદ્રના મોજાની જેમ ખંભાતની પોળ અને માર્ગો પરથી પાણી વહેતા જોવા મળ્યા હતા.તો વળી દુકાનો અને ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. જેના કારણે નગરજનો મુશ્કેલીમાં મુકાયા હતા. ખંભાતમાં આભ ફાટતાં તંત્ર પણ દોડતુ થઇ ગયુ હતુ. સમગ્ર ખંભાતનું જનજીવન ઠપ્પ થઇ ગયુ હતું. વડોદરામાં અનરાધાર વરસાદ વરસવાને કારણે જંબુસર અને આમોદ તાલુકામાંથી વહેતી ઢાઢર નદીમાં પૂરના પાણી ભરાયાં છે.

આભ ફાટવાને પગલે સુરત, વડોદરા અને ભરૂચમાં એલર્ટ

આજે દક્ષિણ ગુજરાતમાં ઓલપાડ, સુરત, ઉમરગામ, ભરૂચ સહિતના પંથકોમાં બારેમેઘ ખાંગા થયા હતા. ખંભાત, ઓલપાડ, ઉમરગામ સહિતના પંથકોમાં ૧૪-૧૫ ઇંચ સુધીનો અતિ ભારે વરસાદ ખાબકતાં આટલા ભારે વરસાદ વચ્ચે ગુજરાત સરકારે વડોદરા, સુરત, ભરૂચમાં આગામી ૩૬ કલાક સુધી હાઈ એલર્ટ જાહેર કરી પ્રજાજનોને ભોજન-પાણી સહિતની જીવન જરૂરી ચીજવસ્તુઓનો સંગ્રહ કરવાની સલાહ માર્ગદર્શિકા જારી કરી છે. બીજીબાજુ, હવામાન વિભાગ દ્વારા પણ, આગામી બે દિવસમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારીની અંબિકા નદીમાં ઘોડાપૂર આવતાં બારડોલી-વાંસદા સ્ટેટ હાઇવે બંધ કરવામાં આવ્યો હતો. આ સિવાય પણ દક્ષિણ ગુજરાતની મોટાભાગની નદીઓ બે કાંઠે અને પૂરની સ્થિતિમાં જોવા મળી હતી. સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટરના વરસાદના આંકડા મુજબ, આજે સવારના છ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધીમાં સુરતના ઓલપાડમાં ૩૦૧ મિમિ એટલે કે ૧૨ ઈંચ, આણંદના ખંભાતમાં ૩૩૭ મિમિ એટલે કે ૧૩.૫ ઈંચ, જ્યારે સુરતના ઉમરપાડામાં ૨૧૦ મિમિ એટલે કે ૮ ઈંચ વરસાદ ખાબક્યો હતો.

જેમાં ખંભાતમાં બપોરના ૧૨ વાગ્યાથી ૨ વાગ્યા સુધીમાં જ ૧૭૯ મિમિ એટલે કે બે કલાકમાં જ ૭ ઈંચ વરસાદ પડ્‌યો હતો. જ્યારે સુરતના ઓલપાડમાં સવારના ૮ થી ૧૦ વાગ્યાના માત્ર બે કલાકના ગાળામાં જ ૨૦૯ મિમિ એટલે કે ૮ ઈંચથી વધુ વરસાદ પડ્‌યો હતો. એ પછીના કલાકોમાં આ તમામ વિસ્તારો અને પંથકોમાં વરસાદનું જોર વધ્યુ હતુ અને તે પંદર ઇંચ સુધી સરેરાશ નોંધાયો હતો. જેના કારણે આ વિસ્તારોમાં પૂરની સ્થિતિ ઉભી થઈ હતી. આ ઉપરાંત ધરમપુરમાં ૧૩૭ મિમિ, વઘઈ, ૧૩૩ મિમિ,  મિમિ, માંગરોળમાં ૧૧૬ મિમિ, કામરેજમાં ૧૧૫ મિમિ, કપરાડામાં ૧૧૫ મિમિ, સુરત શહેરમાં ૧૧૪ મિમિ અને કપડવંજમાં ૧૦૧ મિમિ વરસાદ વરસ્યો હતો. રાજ્યના જળ સંપત્તિ વિભાગ મુજબ, રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ ૫૨ ટકાથી વધુ વરસાદ વરસ્યો હતો. જેના કારણે રાજ્યના કુલ ૨૦૪ જળાશયોમાંથી ૪૨ જળાશયો ૨૫થી ૫૦ ટકા વચ્ચે ભરાયા હતા. જ્યારે ૪ જળાશયો ૧૦૦ ટકા એટલે કે સંપૂર્ણ, ૭ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા તેમજ ૧૫ જળાશયો ૫૦ થી ૭૦ ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર જળાશય કુલ સંગ્રહશક્તિના ૫૭.૦૮ ટકા ભરાયું હતું. રાજ્યમાં હાલમાં ૧,૦૦૦ ક્યુસેક તથા તેથી વધુ પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં ૨૪,૪૩૮, દમણગંગામાં ૧,૬૫,૯૪૫, ઉકાઇમાં ૪૪,૯૩૭, શેત્રુંજીમાં ૧૮,૮૨૮, કરજણમાં ૫,૮૫૦, ઓઝત-વીઅર(વંથલી)માં ૫,૦૪૩, ઓઝત-વીઅરમાં ૩,૯૯૦, કડાણામાં ૧,૭૧૫, ઝુજમાં ૧,૫૬૭, વણાકબોરીમાં ૧,૫૦૦, વેર-૨ માં ૧,૪૫૦, આજી-૨માં ૧,૪૪૯, ઓઝત-૨માં ૧,૨૮૮ અને આજી-૩માં ૧,૧૯૪ ક્યુસેક પાણીની આવકનો સમાવેશ થાય છે. ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૧૫.૭૮ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૪૪.૨૮ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૩૫.૮૪ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૧૮.૮૮ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૧૮.૯૫ એમ રાજયમાં કુલ-૨૦૪ જળાશયોમાં હાલ સંગ્રહાયેલ પાણીનો કુલ જથ્થો ૩૧.૫૭ ટકા એટલે ૧,૭૫,૭૬૯.૮૨ મીટર ઘન ફૂટ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે.

Previous articleબાબરાના નીલવડા રોડ ઉપર કીરાણાની ૩ દુકાનોમાં તસ્કરી
Next articleરાજુલામાં ૧ લાખ વૃક્ષો વાવવાના આયોજન અર્થે યોજાયેલી બેઠક