સ્વાસ્થ્ય અને આરોગ્ય માટે ૯૭૫૦.૫૦ કરોડની ફાળવણી

782
guj2122018-6.jpg

ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી અમૃતમ યોજનાને બહોળો પ્રતિસાદ મળતાં, સ્વાસ્થ્ય ક્ષેત્ર પર ખાસ ભાર આપવામાં આવ્યો છે. જે અંતર્ગત આ ક્ષેત્રે કુલ ૯૭૫૦.૫૦ કરોડની ફાળવણી કરી છે.
ગાંઘીનગરમાં બજેટ રજૂ કરતા નાણાંપ્રધાન નીતિન પટેલે કહ્યું હતું કે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ ૯૭૫૦.૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.  જાહેર આરોગ્ય અને પરિવાર કલ્યાણ ક્ષેત્રે કુલ ૪૮૯૭ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.રાજ્યના સિનીયર સિટીઝનને જરૂરિયાત મુજબ ઉચ્ચ કક્ષાની વધુ સારવાર મળી રહે તે માટે મા વાત્સલ્ય યોજનાનો વ્યાપ વધારાયો છે.મુખ્યમંત્રી મા અમૃતમ અને મા વાત્સલ્ય યોજનાનો લાભ વધુ લોકોને મળે તે માટે ૭૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સાથે જ વાર્ષિક આવક મર્યાદા ૨.૫૦ લાખથી વધારીને ૩ લાખ કરાશે. હાલની સારવાર માટેની મર્યાદા ૨ લાખથી વધારીને ૩ લાખ કરાશે. વાર્ષિક ૬ લાખ સુધીની આવક ધરાવતા કુટુંબના ૬૦ વર્ષ કે તેથી વધુ વયના સિનીયર સિટીઝનને આ યોજનામાં આવરી લેવાશે.
કીડની, લીવર અને પેન્ક્રીઆઝના પ્રત્યારોપણની સહાય વધારીની ૫ લાખ કરાઈ છે.  ની-રિપ્લેસમેન્ટ તથા હીપ-રિસ્પેલમેન્ટ માટે એક પગના ઓપરેશન દીઠ ૪૦,૦૦૦ સુધીની સહાય આપવામાં આવશે. બે પગના ઓપરેશન માટે ૮૦,૦૦૦ની સહાય કરાશે. મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, સીઝનલ ફ્‌લુ વગેરેના નિયંત્રણ માટે ૧૨૯ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.૫૯૩ પેટા કેન્દ્રો, ૧૨૨ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા ૭ સામૂહિક આરોગ્ય કેન્દ્રોના બાંધકામ માટે કુલ ૯૭ કરોડની જોગવાઈ કરવામાં આવી છે
.૬ સરકારી આયુર્વેદ કોલેજોની પ્રવેશ ક્ષમતા ૬૦થી વધારીને ૧૦૦ કરવા માટે ૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આર્યુવેદ રસાયણ ચિકિત્સા કાર્યક્રમ દ્વારા કુપોષણની સારવાર માટે ૧ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સૌથી જૂની અખંડાનંદ આર્યુવેદ હોસ્પિટલનું નવું બિલ્ડિંગ બનાવવા માટે ૧૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલોને સહાય આપવા માટે ૩૯ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.  જનરલ હોસ્પિટલ નવસારી ખાતે નવું ઓપીડી બ્લિડિંગ તથા ર્નસિંગ હોસ્ટેલના બાંધકા માટે ૧૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આયુષથી આરોગ્ય મેળા યોજવા ૧.૭૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
દરિયા કાંઠાના વિસ્તારોમાં બોટ એમ્બ્યુલન્સ સર્વિસ શરૂ કરવા ૨ કરોડની જોગવાઈ, ૧૦૮ એમ્બ્યુલન્સ માટે ૧૦૦ નવી એમ્બ્યુલન્સ ખરીદવા ૨૨ કરોડની જોગવાઈ, ઈન્ટર હોસ્પિટલ ટ્રાન્સફર માટે ૧૫ નવી એમ્બ્યુલન્સ ખરીદવા ૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

Previous articleપશુપાલન અને ડેરી ઉદ્યોગ
Next articleવેરા આવક ૨૦.૯૨ ટકા, ઉત્પાદનની ક્ષમતામાં ૧૩ ટકાની વૃદ્ધિ