મગફળીની વાવણીમાં ૧૧૭૯ હેક્ટરનો વધારો

438

સૌરાષ્ટ્ર બાદ હવે ગાંધીનગર જિલ્લાના ખેડુતોને પણ મગફળીની ખેતીનું ઘેલુ લાગ્યું હોય તેમ માત્ર ૧૧ ઇંચ વરસાદમાં જ જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે રેકોર્ડ બ્રેક ૧૧૭૯ હેક્ટર જમીનમાં વધારે વાવેતર થયું છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે કેન્દ્ર સરકારે મગફળીના ટેકા ભાવ ઉંચા મળ?તા અન્ય ખેડુતોને પણ મગફળની ખેતી તરફ વળ્યા હોય તેમ લાગી રહ્યું છે.

ગાંધીનગર જિલ્લામાં હજુ સુધી સીજનનો માત્ર ૩૫.૭૧ ટકા એટલે ૧૧ ઇંચ જ વરસાદ થયો છે. ત્યારે ખેડુતોએ વરસાદની રાહ જોયા વિના જ ખરીફ પાકનું વાવેતર કરી નાંખતા અત્યાર સુધી જિલ્લામાં ૭૩૬૪૮ હેક્ટર જમીનમાં વાવેતર કર્યું છે. જોકે બે દાયકા પહેલાં મગફળીનું વાવેતર એક માત્ર સૌરાષ્ટ્રમાં જ થતું હતું. પરંતુ જિલ્લાના ખેડુતોએ મગફળીના વાવેતરમાં હાથ અજમાવતા સફળતા મળતા હવે અન્ય ખેડુતો પણ મગફળીના વાવેતર તરફ વધ્યા છે. આથી સૌરાષ્ટ્રની જેમ જિલ્લામાં મગફળીના વાવેતરમાં વધારો જોવા મળે છે. ૩ વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે જિલ્લામાં મગફળીનું વાવેતર ૧૧૭૯ હેક્ટર વધ્યું છે. ગત ૩ વર્ષમાં જિલ્લામાં ૪૯૮૩ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું હતું. જ્યારે ચાલુ વર્ષે ૬૧૬૨ હેક્ટરમાં ખેડુતોએ મગફળીનું વાવેતર કર્યું છે.

દેશના ખેડુતોને વર્ષની ત્રણ સીઝનમાં બિયારણ અને ખાતર સહિતની ખરીદી માટે કોઇની પાસે ઉધાર લેવું ન પડે તે માટે વડાપ્રધાને પી.એમ.કિસાન યોજના શરૂ કરીને વર્ષમાં ત્રણ વખત રૂપિયા ૨૦૦૦ની આર્થિક સહાય કરવામાં આવે છે.કેન્દ્ર સરકાર દ્વારા ખેડુતોને પાક ઉત્પાદનનો યોગ્ય ભાવ મળે અને બજારમાં ખેડુત છેતરાય નહી તે માટે ખેત ઉત્પાદનના ટેકાના ભાવ આપે છે. ગત વર્ષે મગફળીના ટેકાના ભાવ બજાર કરતા ઉંચા મળતા ચાલુ વર્ષે મગફળીની ખેતીમાં વધારો થયો છે.જિલ્લામાં ખરીફ પાકના વાવેતરમાં ડાંગરનું ૩૮૬૯, બાજરી ૨૬૬૯, મકાઇ ૫, તુવેર ૬, મગ ૬૦૧, અડદ ૩૫, તલ ૫, દિવેલા ૨૮૭૭, કપાસ ૨૩૫૮૮, ગુવાર ૩૦૯૪, શાકભાજી ૫૮૩૪, ઘાસચારો ૨૧૦૧૨ હેક્ટર જમીનમાં વાવેતર થયું છે.

Previous articleકોર્પોરેશન જ સાબરમતી નદીમાં ગટરના પાણી ઠાલવી ૯૦ ટકા પ્રદૂષણ કરે છે : ચેમ્બર
Next articleકાર સાથે અકસ્માત થતાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત