મૃત ઢોરોનો યોગ્ય નિકાલ નહીં થતાં દોલારાણાવાસણાના ગ્રામજનો ત્રસ્ત

485

ગાંધીનગર જિલ્લાના દોલારાણાવાસણા ગામમાં મૃત ઢોરોનો યોગ્ય રીતે નિકાલ કરવામાં નહીં આવતાં સ્થાનિક રહિશો હેરાન પરેશાન થઇ ગયાં છે. દંતાણી અને ઠાકોરવાસ નજીક જ મૃત ઢોરોનો નિકાલ કરવામાં આવતો હોવાથી દુર્ગંધ યુક્ત વાતાવરણમાં વસવાટ કરી રહેલાં સ્થાનિકોને રોગચાળાના ભય સતાવી રહ્યો છે. જે અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆતો પણ કરવામાં આવી છે.

દોલારાણાવાસણા ગામમાં મૃત પશુઓના નિકાલ માટે છેલ્લા ઘણા સમયથી બળિયાદેવ મંદિર તરફ જતાં આવેલાં ઠાકોર અને દંતાણીવાસના રહેણાંક વિસ્તારની પાસેની જગ્યાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ વિસ્તારમાં અસંખ્ય પરિવારો વસવાટ કરી રહ્યાં છે. અવર જવર કરવાના માર્ગની પાસે જ મૃત પશુઓનો નિકાલ કરાતાં અસહ્ય દુર્ગંધનો સામનો કરીને લોકોને પસાર થવું પડે છે. શાળાએ અભ્યાસ અર્થે જતાં બાળકો તેમજ રહિશોને પણ આ દુર્ગંધયુક્ત વાતાવરણમાંથી અવર જવર કરવાની નોબત આવી છે. ત્યારે રોગચાળાનો ભય પણ સતાવી રહ્યો છે.

યોગ્ય નિકાલ નહીં કરીને રહેણાંક વિસ્તારની પાસે જ આ પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. જેના પગલે સ્થાનિકોએ સરપંચને પણ રજુઆતો કરી હતી છતાં આ સમસ્યાનો નિકાલ કરવામાં આવતો નથી અને આશ્વાસન આપીને જતાં રહે છે. ના છુટકે ગ્રામજનોને દુર્ગંધ યુક્ત ગંદકી ભર્યા વાતાવરણમાં વસવાટ કરવાની ફરજ પડી છે.

૩૦૦ જેટલા લોકો આ વાતાવરણમાં વસવાટ કરી રહ્યાં છે જેના પગલે તંત્રની કામગીરી સામે પણ રોષ ઠાલવી રહ્યાં છે અને ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે કે, મૃત પશુઓના નિકાલ અંગે યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં નહીં આવે તો સ્થાનિકો ભુખ હડતાલ કરીને રસ્તારોકો આંદોલન ચલાવશે.

Previous articleસેક્ટર ૪માં પાણીની મોંકાણ, વસાહતીઓ ટેન્કર મગાવે છે
Next articleસરખેજથી ગાંધીનગર સુધીમાં ૮ ઓવરબ્રિજ બનશેઃ ૬ વે રોડ બનાવવા પાછળ ૭૫૦ કરોડ ખર્ચાશે