અલંગમાં ભંગાઈ રહેલ જહાજમાં વિકરાળ આગ

709
bvn2722018-15.jpg

ભાવનગરના અલંગ શીપબ્રેકીંગ યાર્ડમાં આવેલ એક શીપમાં વિશાળ આગ લાગતા અફડાતફડી મચી જવા પામી હતી. ત્રણથી વધુ ફાયર સ્ટેશનના જવાનોએ સંયુક્ત કામગીરી કરી મહા મહેનતે આગ પર કાબુ મેળવ્યો હતો.
સમગ્ર બનાવ અંગે પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર અલંગ શીપબ્રેકીંગ યાર્ડમાં આવેલ પ્લોટ નં.૭માં લાંગરેલ ડેડ ઓઈલ વેસલની કટીંગ કામગીરી શરૂ હતી. આ શીપની બાજુમાં જ એક ઓઈલ રીંગનું બ્રેકીંગ કાર્ય પણ શરૂ હતું. એવા સમયે પ્રત્યક્ષદર્શીના જણાવ્યા મુજબ ઓઈલ રીંગનો એક ટાવર ડેડ વેસલ પર પડતા શીપમાં આગ લાગી હતી અને જોતજોતામાં આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા મજુરોમાં ભારે નાસભાગ મચી જવા પામી હતી. 
આ ઘટનાની જાણ અલંગ મરીન પોલીસ, જીએમબી અને ફાયર ફાયટરને થતા સમગ્ર કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આગ બુઝાવવા તજવીજ હાથ ધરી હતી પરંતુ આગ વધુને વધુ આગળ પ્રસરતા અલંગ ફાયરબ્રિગેડએ તળાજા તથા ભાવનગર અગ્નિશામક દળની મદદ માંગતા બન્ને સ્થળોએથી વોટર ટેંક સાથે કાફલો અલંગ પહોંચ્યો હતો અને આગ ઓલવવા કામગીરી હાથ ધરી હતી. 
લગાતાર ૭ કલાક પાણીનો મારો ચલાવી અલંગ, તળાજા અને ભાવનગર ફાયરબ્રિગેડની ટીમએ સંયુક્ત પ્રયાસ થકી મહામહેનતે આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આ ઘટનામાં કોઈ જાનહાની કે નુકશાનીની વિગતો પ્રાપ્ત થવા પામી નથી. સમગ્ર બનાવ અંગે અલંગ મરીન પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

Previous articleબેંક મેનેજમેન્ટની ઢીલી નીતિથી નિરવ મોદી જેવા ઉદ્યોગપતિઓ સહેલાઈથી ચુનો લગાડે છે
Next articleફુટવેર એસો.એ રેલી કાઢી…