સાબરકાંઠામાં જીપ – ટ્રક વચ્ચે જીવલેણ અકસ્માત : ૭ના મોત

784
GUJ2722018-1.jpg

સાબરકાંઠાના વિજયનગરના કુંડલા ગામ નજીક આજે થયેલા ભયાનક અકસ્માતમાં સાત લોકોનાં મોત થયા છે. આ અકસ્માત એક જીપ અને ટ્રક વચ્ચે થયો હતો. સાબરકાંઠાના વિજયનગરના તાલુકાના નવા ભગા ગામના લોકો મજૂરી અર્થે જઈ રહ્યા હતા ત્યારે ટ્રક સાથે જીપ ટકરાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘટના સ્થળે ૩ લોકોનાં મોત થયા હતા જ્યારે સારવાર અર્થે લઈ જતા રસ્તામાં ૪ લોકોનાં મોત થયા હતા. કુલ મળીને ૭ લોકોનાં મોત થયા છે અને ૨૫ જેટલા લોકો ઘાયલ થયા છે.  ઘાયલોને સારવાર માટે ૧૦૮ દ્વારા હિંમતનગર સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ લોકોમાંથી ૪ લોકોની હાલત ખૂબ ગંભીર બતાવવામાં આવી છે. બનાવની જાણ થતા ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા હતા. તેમણે મૃત્યુ પામેલા તમામ લોકોને સરકાર રૂ. ૧૦ લાખનું વળતર આપવામાં આવે તેવી માંગણી કરી હતી.
આ અંગે ધારાસભ્યોએ કહ્યું હતું કે, આજે સવારે નવા ભગા ગામના લોકો મજૂરી કામ માટે જતા હતા ત્યારે અકસ્માતમાં સાત લોકોનાં મોત થયા છે. સરકારને મેં ચેતવી હતી, મેં સંગઠન અને વિધાનસભામાં પણ કહ્યું હતું દારુ અને રેતીના માફિયાઓ બેફામ થઈને ટ્રકો ચલાવે છે. સરકારને શરમ આવવી જોઈએ. અહીં લાગતા વળગતા અધિકારીએ હપ્તા ઉઘરાવે છે. સરકારે મૃતકોને રૂ. ૧૦ લાખનું વળતર આપે. આજે નવા ભગા ગામ પાસે અકસ્માત થયો છે, તેમાંથી ૨૧ લોકોને હિંમતનગર લાવામાં આવ્યા છે. લોકો વેન્ટિલેટર પર છે તેમજ સાત લોકોનાં મોત થયા છે.