રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં ખેડૂતો હવે ચાર એકર વિસ્તાર ધરાવતા સર્વે નંબરમાં પણ બીજુ વીજજોડાણ મેળવી શકશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આદિજાતિ વિસ્તારના ઓછી જમીન ધરાવતા નાના ખેડૂતોના હિતમાં આ મહત્વનો નિર્ણય કર્યો છે. બીજા ખેતીવિષયક વીજ જોડાણ માટે પાત્રતા ધરાવતા ખેડૂતોએ આ માટે જરૂરી દસ્તાવેજો સાથે નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે. આ નિર્ણયથી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના આદિજાતિ વિસ્તારોના લાખ્ખો ખેડૂતોને લાભ થશે. આદિજાતી વિસ્તારોમાં ખાતેદાર ખેડૂતો પાસે જમીનની માલિકીનો વિસ્તાર નાનો હોવાથી ખેડૂતોને થ્રી ફેઝ ના ખેતીવિષયક બીજા વીજજોડાણ માટે આઠ એકર જમીનનો નિયમ હોવાથી મુશ્કેલી પડતી હતી. આદિજાતી વિસ્તારોમાં ખેડૂતો સિંચાઈ માટે ઓછા હોર્સ પાવરના પંપસેટ વાપરતા હોવાથી પિયતમાં પણ અગવડતા પડતી હતી, એટલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આદિજાતિ વિસ્તારમાં હવે ચાર એકર ક્ષેત્રફળ ધરાવતા સર્વે નંબરોમાં પણ બીજું ખેતીવિષયક વીજ જોડાણ આપવાના આદેશો કર્યા છે.ખેતીવિષયક વીજ જોડાણ માટે પાત્રતા ધરાવતા આદિજાતિ વિસ્તારના ખેડૂતોએ જરૂરી દસ્તાવેજો સાથે સાદા કાગળ પર બાહેંધરી પત્ર અને નોંધણી ફી સાથે લાગુ પડતી પેટા વિભાગીય વીજ કચેરીમાં નિયત નમૂનામાં નવેસરથી અરજી કરવાની રહેશે.


















