ભેસ્તાન સિધ્ધાર્થ નગર નજીકથી પુર ઝડપે જઇ રહેલી રીક્ષાના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા મોટરસાઇકલને ટક્કર માર્યા બાદ પલ્ટી ખાઇ જતા રીક્ષામાં સવાર બે જુડવા ભાઇ-બહેનને ઇજા થઇ હતી. ઘટનાને પગલે એકત્ર થયેલા લોકોએ રીક્ષા ચાલકને માર મારી પોલીસને હવાલે કર્યો હતો.સવારે સાત વાગ્યાના અરસામાં પાંડેસરા-ભેસ્તાન રેડ પર સિધ્ધાર્થ નગર નહેર પાસેથી રીક્ષા નંબર જીજે-૫બીવાય-૩૨૮૩ પુર ઝડપે જઇ રહી હતી. ચાલક આકાશ માંગીલાલે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. રીક્ષાએ પ્રથમ મોટરસાઇકલ સવારને ટક્કર મારી હતી ત્યાર બાદ રીક્ષા પલ્ટી ખાઇ ગઇ હતી.રીક્ષા પલ્ટી ખાઇ જતા તેમાં સવાર બે જુડવા ભાઇ બહેન દિવ્યા કુંદન સિંગ (ઉ. વ. ૭) અને દિવ્યાંગ કુંદન સિંગ (ઉ. વ. ૭)ને નાની-મોટી ઇજા થતા તેઓને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા જ્યારે રીક્ષા ચાલક આકાશને અકસ્માતને પગલે એકત્ર થયેલા ટોળાએ માર મારી પાંડેસરા પોલીસને હવાલે કર્યો હતો. લોકોએ આક્ષેપ કર્યો હતો તે ચાલક આકાશ દારૂના નશામાં હતો.


















