શહેરમાં એક નિવૃત્ત પોલીસ કોન્સ્ટેબલનું ચાલુ કાર્યક્રમમાં મોત થયું હતું. શહેરના બાયપાસ રોડ સ્થિત એક હોટલમાં એક ખાનગી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ ખાતે નિવૃત્ત પોલીસ કોન્સ્ટેબલ રતિભાઈ પરમાર કવિ દામોદર બોટદકરનું ખૂબ જ પ્રસિદ્ઘ ગીત “જનની ની જોડ શકી નહીં જડે રે લોલ” ગઈ રહ્યા હતા. આ દરમિયાન તેમને અચાનક હૃદયરોગનો હુમલો આવ્યો હતો. તેઓ ચાલુ કાર્યક્રમમાં મંચ પર ઢળી પડ્યા હતા. આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
મંચ પર નીચે પટકાતા જ નિવૃત્ત કોન્સ્ટેબલનું હૃદયરોગના હુમલાથી મોત થઈ ગયું હતું. આ દ્રશ્ય જોઈને હાજર લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. કોન્સ્ટેબલના અવાજમાં ડૂબી ગયા લોકોને શરૂઆતમાં સમજાયું ન હતું કે શું થયું છે. જોકે, જ્યારે લોકોને ખબર પડી કે તેમને હૃદયરોગનો હુમલો આવ્યો છે ત્યારે ત્યાં સન્નાટો છવાઈ ગયો હતો. તેમના મોતથી તેમના પરિવારમાં પણ માતમ છવાઈ ગયો હતો. રતિભાઈને આવેલા હૃદયરોગનો હુમલો અને તેમના મંચ પર ઢળી પડવાની ક્ષણો ત્યાં લાગેલા કેમેરામાં કેદ થઈ ગઈ હતી.


















