રૂપાણી દ્વારા સ્ત્રી ભ્રુણ હત્યા મુક્ત ગુજરાતની નેમ વ્યક્ત

746

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ગરિમામય ઉજવણી રૂપે ગાંધીનગરમાં બેટી બચાવો બેટી પઢાઓ જનજાગૃતિ રેલીને પ્રસ્થાન કરાવતાં સ્ત્રી ભૃણ હત્યા મુક્ત ગુજરાતના નિર્માણની નેમ વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ પાટનગરની સિવિલ હોસ્પિટલથી આ રેલીને નગરના રાજમાર્ગો પર પ્રસ્થાન કરાવ્યું હતું. 
૧૦ હજારથી વધુ માતા-બહેનો-દિકરીઓ આ મહારેલીમાં જોડાઈ હતી. મહિલા બાઈકર્સ, મહિલા ધોડેશ્વાર અને મહિલા પોલીસ બેન્ડે રેલીની આગેવાની કરી હતી. વિજય રૂપાણીએ આ પ્રસંગે જણાવ્યું કે, નારી તું નારાયણીનો સનાતન ભાવ આપણે સાકાર કર્યો છે. આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે કહ્યું કે જે સમાજ મહિલાશક્તિનું ગૌરવ-સન્માન જાળવતો નથી તે પ્રગતિ-વિકાસ સાધી શકે જ નહિ. મુખ્યમંત્રીએ ઘટતા જતા સ્ત્રી જન્મદર પ્રત્યે અંગૂલી નિર્દેશ કરતાં સ્ત્રી-પુરૂષ સંતુલન જાળવવા રાજ્યમાં દિકરી જન્મને પ્રોત્સાહિત કરવા સૌને અનુરોધ કર્યો હતો. વિજય રૂપાણીએ રાજ્યમાં સમગ્ર વર્ષ દરમ્યાન બેટી બચાવો-બેટી પઢાઓનું જનઆંદોલન રાજ્ય સરકાર પ્રજા સહયોગથી ચલાવશે તેમ પણ ઉમેર્યું હતું. તેમણે સ્ત્રી ભૃણ હત્યા કરાવનાર સામે કાયદેસરની નિયમાનુસાર કડક કાર્યવાહી કરવાનો પણ પૂનરોચ્ચાર કર્યો હતો. તેમણે નારીશક્તિને અનેકાનેક અવસરો આપીને પુરૂષ સમોવડી બનાવવાના રાજ્ય સરકારના સફળતમ પરિણામકારી પ્રયાસોની ભૂમિકા આપી હતી.
 મુખ્યમંત્રીએ માત્ર દિકરી જ સંતાન હોય તેવાં પાંચ દંપતિઓનું સન્માન કર્યું હતું. મહિલા-બાળ કલ્યાણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવેએ સૌને સ્ત્રી ભૃણ હત્યા નિવારણ માટેના સામૂહિક શપથ લેવડાવ્યા હતા. દરમિયાન રાજય વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિન તા.૮મી માર્ચ-૨૦૧૮ના રોજ જન્મેલી નવજાત દીકરીઓના અવતરણને વધાવતા જણાવ્યું હતું કે, જેટલું જગત સુંદર છે એથી પણ દીકરીઓ સુંદર અને વ્હાલી હોય છે. દીકરી માતા-પિતા માટે દીકરાથી પણ વ્હાલસોયી હોય એમ જણાવતા અધ્યક્ષએ રાજ્ય સરકારના બેટી બચાવો બેટી વધાવો અને નન્હી પરી અવતરણ કાર્યક્રમને દીકરીઓના મહત્વને મૂઠી ઊંચેરૂ સ્થાપિત કરવાના પ્રયાસરૂપ ગણાવ્યા હતા. અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ગાંધીનગરની સરકારી હોસ્પિટલ ખાતે આજના દિવસે અવતરણ પામેલી નવજાત બાળાના માતા-પિતાને લક્ષ્મીજી અને સરસ્વતીજીની પ્રતિમા સાથેનો પાંચ ગ્રામ ચાંદીનો સિક્કો, વસાણા કીટ, મીઠાઈનું બોક્સ અને ગુલાબના ફુલ દ્વારા સન્માન કરી નન્હી પરી અવતરણની શુભેચ્છા પાઠવી હતી. અધ્યક્ષએ જણાવ્યું હતું કે, દીકરીના જન્મની પ્રસન્નતા કાયમી રહે અને દીકરીને એટલું જ મહત્વ મળે જેટલું દીકરાને મળે તે માટે રાજ્ય સરકારે સઘન પ્રયાસો હાથ ધર્યા છે. તેમણે આ કાર્યક્રમ સમગ્ર સમાજમાં જનઅભિયાન બને તેમ પણ જણાવ્યું હતું. આ પ્રસંગે કેટલાક માતા-પિતાએ નન્હી પરી અવતરણ કાર્યક્રમ ઉપરથી પ્રેરણા લઈને તેમની દીકરીનું નામ પરી રાખવાનું પણ નક્કી કર્યું હતું.

Previous articleઅમદાવાદ સિવિલમાં જન્મેલી દીકરીઓને મુખ્યમંત્રીએ વધાવી
Next articleભાવનગરમાં મસ્જીદ ધારાશાઈ થતાં અનેક દબાયા