અમદાવાદ શહેરના દર્પણ છ રસ્તા પર કાર ચાલકે જોરદાર ટક્કર મારતાં રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. રાહદારીઓએ ગંભીર રીતે ઘવાયેલા રિક્ષા ચાલકને ૧૦૮ મારફતે હૉસ્પિટલ ખસેડ્યો હતો.
બનાવની વિગત એવી છે કે મોડી રાત્રે અમદાવાદ શહેરના હાર્દ સમા દર્પણ છ રસ્તા વિસ્તારમાંથી એક રિક્ષા પસાર થઈ રહી હતી તે વખતે એક કારે રિક્ષાને પાછળના ભાગે જોરદાર ટક્કર મારી હતી. ધડાકાભેર અથડાયેલી કારે રિક્ષાનો કચ્ચરઘાણ કાઢી નાંખ્યો હતો. આ અકસ્માતમાં રિક્ષા ચાલકને ઇજા થઈ હતી જેથી સ્થાનિકોએ તેને તાત્કાલિક ૧૦૮ને જાણ કરી હૉસ્પિટલ ખસેડ્યો હતો.
અકસ્માતને નજરે જોનારા લોકોએ જણાવ્યું હતું કે કાર ચાલક દારૂ પીધેલી હાલતમાં હતો જોકે, કાર ચાલક લોકોના ટોળાનો રોષ બને તે પહેલાં જ ફરાર થઈ ગયો હતો. અકસ્માતથી ઉશ્કેરાયલા રાહદારીઓએ કારના કાચ ફોડ્યા હતા. એક તરફ રાજ્યમાં નવો મોટર વ્હિકલ એક્ટ અમલમાં થવા જઈ રહ્યો છે તો બીજી તરફ અવારનવાર બેજવાબદાર ડ્રાઇવિંગનો ભોગ નિર્દોષો બને છે ત્યારે આવા કિસ્સામાં કડક કાર્યવાહી થાય તે અનિવાર્ય છે.


















