ગુજરાત વિધાનસભાની ૬ બેઠકોની પેટાચૂંટણીઓને લઇને ઢોલ- શરણાઇઓ વાગી ગયા છે. ગુજરાતમાં પેટાચૂંટણીઓની મોટાભાગની બેઠકોની તારીખ ચૂંટણીપંચે જાહેર કરી દીધી છે. જેમ જેમ ગુજરાતમાં ચૂંટણીઓની તારીખ નજીક આવતી જાય છે, તેમ તેમ ભાજપ અને કોંગ્રેસમાં હલચલ વધી ગઇ છે.બન્ને પક્ષો એકબીજા પર આકરા નિવેદનબાજીનો દોર પણ શરૂ થઇ ગયો છે. ત્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પેરાશૂટ નેતા અલ્પેશ ઠાકોરને લઇને કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ એક નિવેદન આપ્યું છે. જેના કારણે ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.
અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાયા બાદ ગુજરાતના રાજકારણ સાથે જોડાયેલા સૂત્રો એવું જણાવી રહ્યા છે કે રાધનપુરની સીટ ભાજપ અલ્પેશ ઠાકોરને આપશે. ત્યારથી કોંગ્રેસ મહંદઅંશે ખુશ જણાઇ રહ્યું છે. અને તેના ભાગરૂપે કોંગ્રેસના દિગ્ગજ નેતા મોઢવાડિયાએ એક નિવેદન આપતા જણાવ્યું હતું કે, રાધનપુરની બેઠક કોંગ્રેસની પરંપરાગત બેઠક છે, અને આ સીટ પરથી અમારો ઉમેદવાર ચોક્કસ જીતશે.
અલ્પેશને લઇને મોઢવાડિયાએ આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, અલ્પેશ કોંગ્રેસમાં હતો, એટલે રાધનપુરની બેઠક પરથી જીત્યો હતો. પરંતુ હવે અમારે અલ્પેશને હરાવવા માટે વધારે મહેનત કરવાની જરૂર નથી. અલ્પેશથી રાધનપુરના લોકો અને ભાજપના કાર્યકરો ખુબ જ નારાજ ચાલી રહ્યા છે. જેના કારણે ત્યાંની પ્રજા અને કાર્યકરો જ અલ્પેશને જાકારો આપશે.


















