વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ થયાને એક વર્ષ આગામી તારીખ ૩૧મી ઓક્ટોબરના રોજ પૂરૂ થઇ રહ્યુ છે. આ પ્રસંગે કેવડિયા ખાતે ભવ્ય ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહેશે તેમ જાણવા મળી રહ્યુ છે. આ દિવસે કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ પરેડનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેના ચાલી રહેલી કામગીરીની સમિક્ષા કરવા માટે કેન્દ્રિય ગૃહ સચિવ અભય ભલ્લાની આગેવાનીમાં એક ટીમે કેવડિયાની મુલાકાત લઇને સમીક્ષા કરી હતી.
ગુજરાતના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંઘ, ડીજીપી શિવાનંદ ઝા, સેન્ટ્રલ આઈ.બી. ચીફ, બીએસએફના ડીજી, સીઆરપીએફના ડીજી, એનએસજીના ડીજી, સીઆઇએસએફના ડીજી અને આઇટીબીપીના ડીજી હાજર રહ્યા હતા. આ ઉપરાંત એડીજીપી મનોજ શશીઘર, આઇજી જી.એસ.મલિક અને ડીઆઇજી પિયુષ પટેલ સહિત ગુજરાત પોલીસના ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર પણ રહ્યા હતા. બપોરે આ ટીમ કેવડિયા ખાતે આવી પહોચ્યા બાદ કેવડિયા ખાતે વિવિધ સ્થળોની મુલાકા લીધી હતી. બાદમાં સરકીટ હાઉસ ખાતે અધિકારીઓ સાથે બેઠક કરીને વિવિધ કામગીરી અને કાર્યક્રમના આયોજનની સમિક્ષા કરી હતી.


















