વિધાનસભાના દ્વારેથી

719
new vidhansabha.jpg

મનરેગામાં મોટો ભ્રષ્ટાચાર : ર.૧૮ કરોડ ઉપાડી લીધા સરકારનો સ્વીકાર
ધરોઈ રેન્જમાં મનરેગા હેઠળ ખોટી રકમો ઉધારી દઈ ર કરોડ ૧૮ લાખ ૭૦ હજાર જેટલી મોટી રકમ ઉપાડી લઈ ઉચાપણ દ્વારા ભ્રષ્ટાચાર થયો છે કે કેમ ? તેવા કોંગ્રેસના અશ્વિનભાઈ કોટવાલના ઉત્તરમાં સરકારે પણ મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનો સ્વીકાર કર્યો હતો અને ર૦૧પ-૧૬ ના ભ્રષ્ટાચાર બદલ અત્યા સુધી શું પગલાં લીધા છે તેના ઉત્તરમાં ત્રણ ફોરેસ્ટને સસ્પેન્ડ કર્યા હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ કોંગ્રેસના સભ્યોએ આક્ષેપ કર્યો હતો કે વિધાનસભામાં પ્રશ્ન દાખલ થયા બાદ સરકાર જાગી છે અને પગલાં ભરવા શરૂ કર્યા છે. નાના કર્મચારીને પગલાં લઈ લીધા બાકી માટી મણ મુજબ મોટો ભ્રષ્ટાચાર કરનાર અધિકારી ફોરેન-અમેરીકા ભાગી ગયા છે અને દરેક કામમાં સરખી રકમ ઉધારી ભ્રષ્ટાચાર થયો છે તેની સામે પગલાં લેવાઈ રહ્યા હોવાની એક જ વાત સરકાર તરફથી મંત્રીએ ચાલુ રાખી હતી. 
ભાવનગર જિલ્લામાં પ૦૦ હેકટર ગોચર જમીનમાં દબાણો 
વિધાનસભામાં ચોટીલાના ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણાએ ભાવનગર જિલ્લામાં કેટલી જમીનમાં દબાણો થયેલા છે આવા દબાણો દૂર કરવા શું આયોજન છે અને કેટલી જમીન ખુલ્લી કરવામાં આવી છે.  ઉત્તરમાં ભાવનગર જિલ્લામાં કુલ ૪૯૯-૬૯-પ૯ હેકટર જમીનમાં દબાણો થયેલા છે જે પૈકી અત્યાર સુધી ૬પ-૦૦-૦૦ હેકટર જમીન જ ખુલ્લી કરવામાં આવી છે. ભાવનગર જિલ્લામાં સૌથી વધુ દબાણો તળાજા તાલુકામાં ર૩ર હેકટર તથા મહુવા તાલુકામાં ૧૪૯ હેકટર ગૌચરની જમીનમાં દબાણો છે જયારે ભાવનગર તાલુકામાં ર૦ હેકટર, ઘોઘામાં ૧૪ હેકટર, જેસર ર૯ હેકટર, ગારીયાધાર ૧૩ હેકટર, પાલીતાણા ૧૪ હેકટર, શિહોરમાં ૧૭ હેકટર, ઉમરાળામાં સૌથી ઓછા ર હેકટર વલ્લભીપુરમાં પ હેકટર ગોચરની જમીનમાં દબાણો થઈ ગયા છે. દબાણો દૂર કરવાની જવાબદારી ગ્રામ પંચાયતની હોવાનું પણ વધુમાં તેમણે જણાવ્યું હતું. 
ભાવનગરમાં ૧ર૭ બોટાદમાં ૧૭ તલાટીઓની ઘટ 
ભાવનગર અને બોટાદ જિલ્લામાં તલાટીઓનું મહેકમ અંગે ગઢડાના પ્રવિણભાઈ મારૂએ વિધાનસભામાં પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો ભાવનગર અને બોટાદમાં તલાટીઓનું કુલ મહેકમ કેટલું છે કેટલી ઘટ છે અને કયારે પુરી કરવામાં આવશે. જવાબમાં પંચાયત મંત્રીએ જણાવ્યું હતું કે ભાવનગર જિલ્લામાં પ૩૩ તલાટી અને બોટાદમાં ૧પ૭ તલાટીઓનું મહેકમ છે જે પૈકી ભાવનગર જિલ્લામાં ૧ર૭ તથા બોટાદ જિલ્લામાં ૧૭ તલાટીઓની ઘટ છે જેની વહીવટી અનુકુળતાએ ઘટ પુરી કરવામાં આવશે તેવું વધુમાં પંચાયત મંત્રીએ જણાવ્યું હતું. 
ગુજરાતમાં ૪૭ કરોડ ૨૫ લાખ ચો.મી ગૌચર પર દબાણ, સરકારે કર્યો સ્વીકાર
ગૌચરની જમીનમાં મોટા પાયે દબાણ થાય છે. જેને લઈને આજે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યોએ પંચાયત મંત્રીને ગૌચરની જમીનો પર થયેલા દબાણોને લઈ પ્રશ્ન કર્યો હતો. મંત્રી આપેલી વિગતોમાં દબાણના આંકડાઓ બહાર આવ્યા છે. રાજ્યના ૩૧ જિલ્લાઓમાં કુલ ૪૭ કરોડ ૨૫ લાખ ૯ હજાર ૨૦૩ ચોરસ મીટર(૪૭૨૫.૯૨.૦૩ હેક્ટર) જમીનમાં વર્ષોથી દબાણ થયેલા છે.ગીર અભ્યારણમાં ૫૭.૫૩૫૮ હેક્ટર વિસ્તારમાં દબાણ થયેલા છે. આ દબાણોમાં ખેતીના દબાણો ૫૬.૧૭૫૭ હેક્ટર અને ધાર્મિક જગ્યાના દબાણો ૧.૩૬.૦૧ હેક્ટર જમીન પર છે. આ દબાણોમાંથી અમુક જ ૧૯૮૭-૮૮ના છે. જ્યારે બાકીના દબાણો ત્યાર બાદના છે. ત્રણ દાયકા થવા છતાં તંત્ર ગીર અભ્યારણોમાંથી દબાણ દૂર કરી શક્યું નથી.
રાજ્યના દરેક તાલુકા મથકે તબક્કાવાર કોલેજ-સાયન્સ કોલેજ શરૂ કરાશે
રાજ્ય સરકાર દરેક તાલુકા મથકે કોલેજો શરૂ કરશે. અમરેલી અને અમદાવાદ જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહની કોલેજો શરૂ કરવા અંતર્ગત વિધાનસભા ગૃહમાં પ્રશ્નના ઉત્તરમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ સરકારના શાસનમાં સમતોલ વિકાસ થાય અને કોઇને પણ અન્યાય ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. અત્યારે જ તાલુકા મથકોએ સરકારી કોલેજો છે અને રાજ્ય સરકારની નીતિ પ્રમાણે તબક્કાવાર બધાજ તાલુકામાં કોલેજો શરૂ કરાશે.રાજ્યમાં જરૂરિયાતવાળા તમામ તાલુકાઓમાં તબક્કાવાર સાયન્સ કોલેજ શરૂ કરવા સરકાર કટિબદ્ધ છે. તા. ૩૧/૧૨/૨૦૧૭ની સ્થિતિએ મોરબીમાં વિજ્ઞાન પ્રવાહની ૧ ગ્રાન્ટેડ કોલેજ જ્યારે ભાવનગર જિલ્લામાં ૧ સરકારી અને ૧ ગ્રાન્ટેડ કોલેજ આવેલી છે. આ પ્રમાણે મહીસાગર જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહ ૦૧ ગ્રાન્ટેડ, તેમજ દાહોદ જિલ્લામાં ૨ સરકારી અને ૧ ગ્રાન્ટેડ કોલેજ આવેલી છે, તેમ વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરીકાળ દરમિયાન ધારાસભ્યશ્રીઓ દ્વારા વિજ્ઞાન પ્રવાહ કોલેજ અંગે પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું. રાજ્યની શાળાઓમાં ૫૨ આચાર્યની જગ્યાઓ ભરવા માટેની પ્રક્રિયા પ્રગતિ હેઠળ છે. રાજ્યની કોલેજોમાં ય્ઁજીઝ્ર દ્વારા કુલ ૫૫૭ મદદનીશ પ્રધ્યાપકોની જગ્યા ભરવાની પ્રક્રિયા પૂર્ણ થવાના આરે છે. ગારિયાધાર તાલુકામાં કોલેજ ફાળવવામાં આવી છે તેના માટે વર્ષ ૨૦૧૭-૧૮ અને વર્ષ ૨૦૧૮-૧૯માં કુલ-૫૪૨ લાખ તેમજ ૮ એકર જમીન ફાળવવામાં આવી છે. રાજ્યમાં હાલની સ્થિતિએ ૨૨ સાયન્સ કોલેજો આવેલી છે જે વર્ષ ૧૯૯૫-૯૬માં ૩ હતી તેમ પણ શિક્ષણ મંત્રી શ્રી ચૂડાસમાએ વિવિધ પૂરક પ્રશ્નના જવાબ આપતાં વિધાનસભા ગૃહમાં ઉમેર્યું હતું.
ગીર વન વિસ્તારની જાળવણી કરવા રાજ્ય સરકાર પ્રતિબધ્ધ
રાજ્યમાં જૂનાગઢ જિલ્લામાં આવેલા ગીરના જંગલ અને વન વિસ્તારની જાળવણી તેમજ સિંહ અને વન્ય પ્રાણીઓના સંરક્ષણ તથા સંવર્ધન માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે, તેમ વન મંત્રી  ગણપતસિંહ વસાવાએ જણાવ્યું છે. આજે ગાંધીનગર વિધાનસભા ખાતે પ્રશ્નોતરી કાળ દરમિયાન કેન્દ્ર  અને રાજ્ય દ્વારા ગીર વનને ગ્રાન્ટની ફાળવણી સંદર્ભે પૂછવામાં આવેલ લેખીત પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા વનમંત્રી શ્રી વસાવાએ વધુમાં જણાવ્યું કે, તા.૩૧/૧૨/૨૦૧૭ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં વર્ષવાર ૨૦૧૬માં ૧૭.૨૬ કરોડ અને ૨૦૧૭માં રૂ.૨૧.૪૮ કરોડની ફાળવણી કરવામાં આવી છે અને આ રકમ પૈકી રૂા.૩૭.૨૪ કરોડ વન વિસ્તારની જાળવણી ઉપરાંત સિંહ અને વન્ય પ્રાણી સંરક્ષણ તથા સંવર્ધન માટે વાપરવામાં આવી હોવાનું મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું. 

Previous articleશાંતિપૂર્ણ માહોલ વચ્ચે SSC અને HSC બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ
Next articleરાજયસભા ચૂંટણી : ભાજપના ૩, કોંગ્રેસના ર ઉમેદવાર, 1 અપક્ષ