કોંગીના ધારાસભ્ય વીરજી ઠુમ્મર સહિત ૨૮ સભ્યો સસ્પેન્ડ કરાયા

1127
guj1432018-7.jpg

ગુજરાત વિધાનસભામાં આજે ખેડૂતોના પાક વીમો, ટેકાના ભાવ સહિતના પ્રશ્નોને લઇ વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્યોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને એક તબક્કે વેલમાં ધસી ગયા હતા. કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુમ્મર અધ્યક્ષ તરફ વેલમાં ધસી જતાં અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ વીરજી ઠુમ્મરને એક દિવસ માટે સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી દીધી હતી. તો, વિપક્ષના વેલમાં સૂઇ ગયેલા અને હોબાળો મચાવતાં તમામ ધારાસભ્યોને ગૃહમાંથી બહાર લઇ જવાની સાર્જન્ટસને સૂચના આપતાં કોંગ્રેસના ધારાસભ્યોને એક તબક્કે ટીંગાટોળી કરી ગૃહની બહાર કાઢવામાં આવ્યા હતા. બીજીબાજુ, કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય વીરજી ઠુમ્મરને સસ્પેન્ડ કરાતાં કોંગ્રેસના ધારાસભ્યોએ ભાજપ સરકાર વિરોધી જોરદાર નારા લગાવ્યા હતા અને જબરદસ્ત હોબાળો મચાવ્યો હતો. ઠુમ્મરના સસ્પેન્શનનો વિરોધ કરતાં અન્ય ધારાસભ્યો ઇમરાન ખેડાવાલા, પ્રતાપ દુધાત અને હર્ષદ રિબડીયા સહિત ૨૮ ધારાસભ્યોને આજના દિવસ માટે સસ્પેન્ડ કરાયા હતા. જો કે, બાદમાં વિપક્ષના દંડક અમિત ચાવડા દ્વારા અધ્યક્ષને પ્રશ્નોત્તરી બાદ વિનંતી કરાતાં આખરે કોંગી ધારાસભ્યોનું સસ્પેન્શન પાછુ ખેંચાયું હતું. સસ્પેન્ડ કરાયેલા કોંગી ધારાસભ્ય વીરજી ઠુમ્મરે અધ્યક્ષના નિર્ણયને વખોડતાં જણાવ્યું કે, ખેડૂતોના મુદ્દે રજૂઆત નહી કરવા દઇ તેમને સસ્પેન્ડ કરવાનું પગલું લોકશાહીને ગળે ટૂંપો દેવા સમાન છે, રાજયના ખેડૂતો આ માટે ભાજપને માફ નહી કરે. ગુજરાત વિધાનસભામાં આજે કૃષિ વિભાગની માંગણીઓ અને ખેડૂતોના પ્રશ્નોને લઇ ચર્ચા ચાલી રહી હતી તે દરમ્યાન વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુમ્મરે ભાજપ સરકાર પર જોરદાર પ્રહારો કર્યા હતા અને નક્કર હકીકતો સાથે ભાજપ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.  જેથી કૃષિમંત્રી આર.સી.ફળદુ ચર્ચાનો જવાબ આપી રહ્યા હતા અને તેમના પ્રવચન દરમ્યાન વીરજી ઠુમ્મરનું નામ લેતાં ઠુમ્મરે પોતાની બેઠક પરથી ઉભા થઇ વિરોધ શરૂ કર્યો હતો. વીરજી ઠુમ્મરે ખેડૂતોના પ્રશ્ને જવાબ આપવાની ઉગ્ર માંગ કરી હતી અને વિરોધ ચાલુ રાખ્યો હતો અને વેલ તરફ ધસી ગયા હતા. જેથી અધ્યક્ષે વારંવાર વીરજી ઠુમ્મરને સૂચના આપી બેસી જવા અનુરોધ કર્યો હતો પરંતુ વીરજી ઠુમ્મરે નહી બેસતા અધ્યક્ષ નારાજ થયા હતા અને આખરે ઠુમ્મરને આજના દિવસ માટે સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો હતો. અધ્યક્ષના આ આદેશને પગલે કોંગ્રેસના અન્ય ધારાસભ્યો ગિન્નાયા હતા અને ભાજપ સરકાર વિરૂધ્ધ જોરદાર સૂત્રોચ્ચાર અને નારા લગાવતાં લગાવતાં બધા વેલ તરફ ધસી ગયા હતા અને વિરોધના ભાગરૂપે તેઓ વેલની વચ્ચે જ સૂઇ ગયા હતા. ગૃહની કાર્યવાહી ખોરંભે પડતાં અધ્યક્ષે કોંગ્રેસના બીજા ત્રણ ધારાસભ્યો ઇમરાન ખેડાવાલા, પ્રતાપ દુધાત અને હર્ષદ રિબડીયાને પણ આજના દિવસ માટે સસ્પેન્ડ કરાયા હતા. અધ્યક્ષે કોંગ્રેસના ધારાસભ્યોને ગૃહમાંથી બહાર મોકલવા સાર્જન્ટસને સૂચના આપી હતી પરંતુ વિપક્ષના સભ્યો માન્યા ન હતા, તેથી સાર્જન્ટસના જવાનોએ ટીંગાટોળી કરી કોંગ્રેસના ધારાસભ્યોને ગૃહમાંથી બહાર કાઢવા પડયા હતા. કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા ભાજપ તેરી તાનાશાહી નહી ચલેગી, નહી ચલેગી, ખેડૂત વિરોધી સરકાર, નહી ચલેગી, નહી ચલેગી, ભાજપ તેરી દાદાગીરી નહી ચલેગી, નહી ચલેગી સહિતના જોરદાર સૂત્રોચ્ચાર અને નારાઓ લગાવી વાતાવરણ ગજવી મૂકયુ હતું. બાદમાં કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહની બહાર મીડિયા સમક્ષ અધ્યક્ષના પક્ષપાતી વલણ અને ભાજપ સરકારની તાનાશાહીનો જોરદાર વિરોધ કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યો કાળા જેેકેટ પર ખેડૂતોના વિવિધ પ્રશ્નો મુદ્દે નારાઓ અને લખાણ દર્શાવી ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો. બાદમાં પ્રશ્નોત્તરી પૂર્ણ થયા બાદ કોંગ્રેસના દંડક અમિત ચાવડાએ અધ્યક્ષને વિનંતી કરતાં સંસદીય બાબતોના મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ જણાવ્યું કે, જો કોંગી ધારાસભ્યોનું સસ્પેન્શન પાછુ ખેંચાય તો તેમને વાંધો નથી, ત્યારબાદ અધ્યક્ષે કોંગ્રેસના ૨૮ ધારાસભ્યોનું સસ્પેન્શન પાછું ખેંચ્યું હતું.

Previous articleગુજરાતના સાગરતટ પર ચક્રવાત ત્રાટકવાની સંભાવના
Next articleરાજ્યસભા ચૂંટણી : ભાજપ-કોંગ્રેસે એકબીજાના ઉમેદવારો સામે વાંધો ઉઠાવ્યો