રાજ્યમાં છ વિધાનસભા પેટાચૂંટણી : ૧૫ લાખ મતદારો ૧૭૮૧ મથક પર મતદાન કરશે

444

રાજ્યમાં ખાલી પડેલી વિધાનસભાની ૨૧ ઓક્ટોબરના રોજ ચૂંટણી યોજાશે. થરાદ, રાધનપુર, ખેરાલુ, બાયડ અમરાઈવાડી અને લુણાવાડા બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. ત્યારે ચૂંટણીપંચ દ્વારા છેલ્લી ઘડીની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી ડૉ.એસ મુરલીકૃષ્ણને કહ્યું કે, ૬ બેઠક ઉપર ૧૪,૭૬,૭૧૫ મતદાર ૧૭૮૧ મતદાન મથક પર મતદાન કરશે. રાજ્યમાં ખાલી પડેલી સાત વિધાનસભા બેઠકોમાં પેટાચૂંટણી યોજાશે. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ભાજપમાં જોડાઈ ગયા હતાં. આ ઉપરાંત અન્ય ચાર બેઠકના ધારાસભ્યો લોકસભામાં વિજેતા થતા પેટા ચૂંટણી યોજવામાં આવી રહી છે. મુખ્ય ચૂંટણી અધિકારી ડૉ. એસ. મુરલીકૃષ્ણએ કહ્યું કે, મતદાન મથકો ઉપર વીજળી, પીવાના પાણી, ફર્નિચર તમામની વ્યવસ્થા પૂર્ણ કરી દેવામાં આવી છે. જ્યારે ૬ જિલ્લાઓમાં એસટી નિગમની ૧૫૬ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાનનાં દિવસે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ૬ બેઠકો ઉપર ૧૮૦૫ હથિયાર જમા લેવામાં આવ્યા છે. બેઠકો પર સર્વેલન્સ ટીમ નક્કી કરવામાં આવી હતી જેમાં ૨૧ ફ્લાઈંગ સ્કૉવડ, ૧૫ વીડિયો સર્વેલન્સ ટીમ, ૬ વિડીયો ટીમ અને ૨૪ સાબિતી કાર્યરત કરાઇ છે. ચૂંટણીના જાહેરનામા બાદ ૩૨ સર્વેલન્સ ટીમે ૬ મદદનીશ અને ખર્ચ નિરીક્ષકને કામે લગાડયા છે.

કેન્દ્રીય ચૂંટણીપંચ મુજબ આચાર સંહિતા લાગૂ થયા બાદ નશાબંધી વિભાગ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૫૭.૬૨ લાખનો ૯૭૪૬ લીટર દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. ઉપરાંત ૧૮૦૫ જેટલા હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે. તેમજ ૩૩૨૬ વ્યક્તિઓ સામે અન્ય કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. અને ૧૨૩૨ લોકો સામે નોન બેલેબલ વૉરન્ટ ઇશ્યુ કરવામાં આવ્યા છે. ચૂંટણી સંબંધિત કોઈ હિંસક બનાવની ઘટના બની નથી. ડૉ.એસ.મુરલી ક્રિષ્ણાએ જણાવ્યું હતું કે, આગામી ૨૧ ઓક્ટોબરના રોજ ગુજરાતની ૬ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાનાર છે. જેના ભાગરૂપે ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી, ફોટો મતદાર કાપલી વિતરણ. ઈવીએમ-વીવીપીએટી તેમજ મતદાન કેન્દ્રોની ચકાસણીની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.

૨૧ ઓક્ટોબરે સવારે ૮ વાગ્યે મતદાન શરૂ થશે અને સાંજે ૬ વાગ્યે પૂર્ણ થશે. જ્યારે ૨૪ ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે. ૬ જિલ્લાની પેટાચૂંટણી માટે જીએસઆરટીસી તરફથી ૧૫૬ એસટી બસોની વ્યવસ્થા કરવામાં આવી છે.