વિધાનસભાના દ્વારેથી

771
new vidhansabha.jpg

ભાજપના કામ કરતાં દંડક : પરબતભાઈને ઉઠાડી પ્રદિપસિંહ સાથે ચાલુ વિધાનસભામાં મીટીંગ કરી 
સરકારના સતત દંડક તરીકે રહેલા પંકજભાઈ એ કામ કરતાં દંડકનું ઉદાહરણ પુરુ પાડુ છે. વિધાનસભામાં પણ સતત ફરતા રહીને આખા ભાજપનું જીવંત કામ કરવાનું ઉદાહરણ છે. આજે લગભગ ૧૧.૩૦ કલાકે પ્રશ્નોત્તરી ચાલતી હતી ત્યારેે પણ મહત્વના કારણોસર પ્રદિપસિંહની બાજુમાં બેઠેલા વયોવૃધ્ધ મંત્રી પરબતભાઈ પટેલને અન્ય જગ્યાએ બેસાડી પોતે તેમની જગ્યાએ બેસી ગંભીર મીટીંગ કરી હતી. લગભગ ૧૧.૪૪ કલાક સુધી ચાલી હતી. જેમાં તેઓ તથા પ્રદિપસિંહ અને પાછળ બેઠેલા બે ધારાસભ્યો રાકેશભાઈ તથા દુષ્યંતભાઈનું પણ કયાંક કયાંક અટેન્શન મળતું હતું. જો કે અવિશ્વાસની દરખાસ્ત બાબત સૌથી મહત્વની હોવાથી તે અંગે ચર્ચા કરી હોવાનું પણ અનુમાન લગાવી શકાય. જોકે મીટીંગ લગભગ હળવા મુડમાં જણાતી હતી. વિષય તો તેઓ જ કહી શકે પરંતુ કામ કરતાં જીવંત દંડકનું ઉત્તમ ઉદાહરણ તેમણે પુરુ પાડયું ગણાય. 
ધારાસભ્યો માટેની ગ્રાન્ટ ૧ કરોડથી વધારીને દોઢ કરોડ કરવામાં આવી 
ગ્રાન્ટ બાબતે વિધાનસભામાં ભાજપ તથા કોંગ્રેસની ધારાસભ્યોમાં ભારે એકતા જોવા મળી હતી. બંન્ને બાજુથી ધારાસભ્યોને મળતી ગ્રાન્ટમાં ૧ કરોડથી વધારી ર કરોડ કરવા પાટલીઓ થપથપાવી હાથ ઉંચા કરી માંગણી પણ કરવામાં આવી હતી. સામે સામે થતાં ભાજપ – કોંગ્રેસ આ બાબતમાં એક થઈ નીતીનભાઈને દરખાસ્ત કરતા જોવા મળતાં હતાં. તેમાં છેલ્લે અધ્યક્ષે પણ પોતાની લાગણી વ્યકત કરી હતી ત્યારબાદ વિનીયોગ વિધેયક વખતે નીતિનભાઈએ છેવટે જાહેરાત કરી હતી કે ૧ કરોડને બદલે ધારાસભ્યોની ગ્રાન્ટમાં પ૦ લાખનો વધારો કરીને દોઢ કરોડ કરવામાં આવે છે. છતાં સભ્યો ર કરવાનો આગ્રહ ચાલુ રાખ્યો હતો. 
રીલાયન્સ સહિત મોટી કંપનીઓ ૩ વર્ષે નામ બદલી નાંખે છે : રાજયને નુકશાન 
વિધાનસભામાં મૂલ્યવર્ધિત વેરાના વિધેયક અંગે બોલતાં મોટી કંપનીઓ દર ૩ વર્ષ પોતાનું નામ બદલી નાંખે છે અને ધંધો એનો એ જ કરતાં હોવાનું ધ્યાન પર આવ્યું છે અને સરકારને ગુજરાતને નુકશાન થઈ રહ્યું છે. 
મોટી કંપનીઓમાં ૮પ ટકા સ્થાનિક રોજગારી અંગે કોઈ જવાબ મળતો નથી. ગુજરાતના લોકોને પણ તેટલા ટકા રોજગારી મળે તો પણ બરાબર છે. ટેક્ષની છટકબારીનો મોટા ઉદ્યોગો લાભ ન લઈ જાય તેની કાળજી રાખવી પડશે જેથી વિકાસના કામોને વધુ ન્યાય આપી શકાય ગુજરાતની તિજોરીમાં પૈસા ઓછા આવ્યા તે ૧૩ વર્ષ ખબર પડી જેથી ગુજરાતના વિકાસને અસર થઈ છે ૧૩ વર્ષ સુધી મેળાને બદલે અહીં ધ્યાન રાખવાની જરુર હતી.  
રાજયની સરકારી કોલેજમાં ૧૦૭ જગ્યા પૈકી ૧૬ જ ભરેલી ૯૧ ખાલી 
ભાજપના વલ્લભભાઈ કાકડીયાએ પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો કે ૩૧ ડિસેમ્બર, ર૦૧૭ ની સ્થિતિએ સરકારી કોલેજોમાં આચાર્યની કુલ કેટલી જગ્યાઓ ભરેલ છે અને કેટલી ખાલી છે જવાબમાં શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે સરકારી શાળાના આચાર્યની કુલ ૧૦૭ જગ્યાઓ મંજુર થયેલી છે જે પૈકી ૧૬ ભરાયેલી છે અને ૯૧ જગ્યાઓ ખાલી છે. પર જગ્યા માટે માંગણી પત્રક જીપીએસસીમાં મોકલેલ છે. કાર્યવાહી પસંદગીના તબકકે છે. 
ભાવનગરમાં ર૯૪ શાળા રમતના મેદાન વિનાની :૧ર૯ માં કમ્પાઉન્ડ વોલ નથી 
ભાવનગર જિલ્લાની શાળાઓમાં રમતગમતના મેદાનની સુવિધા વિનાની છે કેટલી શાળાઓ કમ્પાઉન્ડ વોલ વગરની છે, કેટલી શાળાઓમાં વિજળી અને પાણીની સુવિધા નથી અને કેટલી શાળાઓમાં શૌચાલયની સુવિધા નથી એવો પ્રશ્ન વિધાનસભામાં તળાજાના ધારાસભ્ય કનુભાઈ બારૈયાએ ઉપસ્થિત કર્યો હતો. જેના ઉત્તરમાં શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે ભાવનગર જિલ્લાની ર૯૪ શાળાઓમાં રમતગમતના મેદાનની સુવિધા નથી, શાળાઓ મેદાન વિનાની છે જયારે ૧ર૯ શાળાઓમાં કંમ્પાઉન્ડ વોલ નથી. જિલ્લાની એકપણ શાળા એવી નથી કે જયાં વીજળી, પાણી અને શૌચાલયની સુવિધા ન હોય મહુવામાં સૌથી વધુ ૬૧, ભાવનગરજમાં ૪૬ અને પાલીતાણામાં ૪૩ શાળાઓ રમતગમતના મેદાન વિનાની છે. 
સરકારી કોલેજોમાં ૬૦ ટકાથી વધુ મદદનીશ પ્રાધ્યાપકોની જગ્યાઓ ખાલી 
વિધાનસભામાં સરકારી કોલેજોમાં મદદનીશ પ્રાધ્યાપકનું મહેકમ ભરેલી જગ્યાઓ અને ખાલી જગ્યાઓ અંગે પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવ્યો હતો જેના જવાબમાં શિક્ષણમંત્રીએ ૩૧ ડિસેમ્બર, ર૦૧૭ ની સ્થિતિએ રાજયની સરકારી કોલેજોમાં ૧પ૧૯ નું મહેકમ છે જે પૈકી ભરાયેલી જગ્યાઓ માત્ર ૬૧૬ જયારે ખાલી જગ્યાઓ ૯૦૩ જેટલી છે. આમ ૬૦ ટકાથી વધુ જગ્યાઓ ખાલી છે જોકે પપ૭ જગ્યાઓ સીધી ભરવાની પ્રક્રીયા ચાલુ છે તેવું પણ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું. 
રાજ્યની ૧૯,૫૯૨ શાળાઓમાં ઇન્ટરનેટ કનેકશન અપાયા
આધુનિક યુગમાં દુનિયા સાથે ચાલવા માટે વડાપ્રધાનને ડીજીટલ ઇન્ડિયાનો સંદેશ આપેલ છે. તેને સફળ બનાવવા રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે, તેમ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું છે. 
તે અંતર્ગત રાજ્યના બાળકોને શાળાઓમાં ઇન્ટરનેટ કનેકશન આપવા અંગે ગાંધીનગર વિધાનસભા ખાતે વેજલપુરના ધારાસભ્ય કિશોરસિંહ ચૌહાણ અને મજૂરાના હર્ષ સંઘવી દ્વારા પુછવામાં આવેલા લેખિત પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા વધુમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ  જણાવ્યું હતું કે, સર્વશિક્ષા અભિયાન અંતર્ગત તા.૩૧.૧૨.૨૦૧૭ની સ્થિતિએ રાજ્યની ૧૯,૫૯૨ શાળાઓમાં ઇન્ટરનેટ કનેકશન આપવામાં આવ્યા છે. આ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા ઉક્ત સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં રૂ.૧૫૨૫.૨૬ લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો, તેમ શિક્ષણ મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું.
રક્ષિત વન વિસ્તારોમાં સી.એન.જી/ પી.એન.જી.ની લાઇનો નાંખવાની સત્તા કેન્દ્રએ આપી 
રક્ષિત વન વિસ્તારોમાં સી.એન.જી. અને પી.એન.જી. પાઇપ લાઇન નાંખવાની સત્તા ગુજરાત સરકારને આપી દીધી છે, ભૂતકાળમાં આ સત્તા કેન્દ્ર સરકાર પાસે હતી. આ સત્તા મળતાં રાજ્યના નાગરિકોને સવલતો આપવા માટે આશીર્વાદરૂપ બનશે.આજે વિધાનસભા ખાતે સી.એન.જી. પાઇપ લાઇનની મંજૂરી અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રીએ કહ્યું કે, ગુજરાત વિકસીત રાજ્ય છે ત્યારે રક્ષિત વન વિસ્તારમાં સી.એન.જી. પાઇપ લાઇન નાંખવા માટે કેન્દ્ર સરકાર પાસેથી મંજૂરી લેવાની થતી હતી તે ભૂતકાળમાં અનેક રજૂઆતો કેન્દ્ર સરકારને વારંવાર કરાઇ હતી પરંતુ મંજુરી મળતી નહોતી, પરંતુ વડાપ્રધાને રાજ્યના હિતમાં નિર્ણય કરીને આ સત્તા રાજ્ય સરકારને આપી દીધી છે. 

Previous articleપોલીટેકનીક કોલેજ પાસેથી રૂા.ર૦ લાખના વેરાની વસુલાત
Next articleગુજરાતમાં ૧૮૪ સિંહોના મૃત્યુ મુદ્દે કેન્દ્ર અને રાજય સરકારને હાઈકોર્ટની નોટીસ