કોરાના વાઇરસના પગલે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડનો નિર્ણય, આગામી 31 માર્ચ સુધી તમામ ધાર્મિક કાર્યક્રમો સ્થગિત

1442

વિશ્વભરમાં કોરોના વાઇરસના પગલે દહેશતનો માહોલ ઉભો થયો છે. કોરોના
વાઇરસના કારણે અનેક લોકોના જીવ પણ ગયા છે ત્યારે આ વાઇરસ જીવલેણ ન બને તે માટે સુરક્ષાત્મક
પગલાં ભરવામાં આવી રહ્યા છે. કોરોના વાઇરસના પગલે લોકોની સુરક્ષાને ધ્યાને લઈને શ્રી ખોડલધામ
ટ્રસ્ટ-કાગવડ દ્વારા મહત્વનો નિર્ણય લઈને 31 માર્ચ સુધી યોજાનારા ધાર્મિક કાર્યક્રમો સ્થગિત કરી
દેવામાં આવ્યા છે. મંદિરે બહોળી સંખ્યામાં ભક્તો એકત્રિત ન થાય તેવી પણ અપીલ શ્રી ખોડલધામ
ટ્રસ્ટ-કાગવડ દ્વારા કરવામાં આવી છે.
કોરોના વાઇરસની સામે સાવચેતી અને તકેદારીના પગલારૂપે રવિવારે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ
જાહેરાત કરીને રાજ્યભરમાં શાળા, કોલેજ, સિનેમા ઘર, મોલ, સ્વિમિંગ પુલ બંધ રાખવા અનુરોધ કર્યો
છે. સાથે જ ધાર્મિક સંસ્થાઓ, સંપ્રદાયોને પોતાના મેળાવડાઓ, ધાર્મિક કાર્યક્રમો પણ આગામી બે
સપ્તાહ સુધી ન યોજવા સરકારે અનુરોધ કર્યો હતો. જેના પગલે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના
ચેરમેનશ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં સોમવારે મહત્વની બેઠક મળી હતી અને બેઠકમાં નિર્ણય લઈ
આગામી 31 માર્ચ સુધી યોજાનારા તમામ ધાર્મિક કાર્યક્રમો સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો.
ખોડલધામ મંદિરે ભક્તો દ્વારા દરરોજ ધ્વજારોહણ કરવામાં આવતું હોય ટ્રસ્ટે ધ્વજારોહણના યજમાનને
અનુરોધ કર્યો છે કે 31 માર્ચ સુધી ધ્વજારોહણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો એકઠાં ન થાય. આ
ઉપરાંત આગામી 25 માર્ચથી શરૂ થતી ચૈત્રી નવરાત્રિમાં પણ વધુ ભક્તો મંદિરે એકત્રિત ન થાય. સાથે જ
ટ્રસ્ટના આગેવાનોએ મંદિરે બહોળી સંખ્યામાં ભક્તોને એકત્રિત ન થવા અપીલ કરી છે. ખોડલધામ
મંદિરે માતાજીના દર્શન અને આરતી નિયમિત ચાલુ રહેશે.

Previous articleપ્રાચી ૧૦૮ની ટીમે સ્થળ પર જઈ માતાની નોર્મલ ડિલિવરી કરાવી
Next articleઆયુર્વેદિકઉકાળા અને હોમીયોપેથિક દવા કોરોના વાયરસના પ્રતિરોધક(અમૃતપેય)નો ૬૦ હજારથી વધુલોકોએ લાભ લીધો