ચિત્રકુટ ધામ ખાતે ૨૧માં અસ્મિતા પર્વનું સમાપન

1108
bvn142018-8.jpg

પૂજ્ય બાપુએ આજના પાવનપર્વ પર પોતાની સદૈવ રહેતી પ્રસન્નતાને શબ્દોમાં વ્યક્ત કરતા આજના પવિત્ર દિવસે હનુમાન જન્મ મહોત્સવની વધાઈ પુરા સંસારને આપી.
આપણે યાત્રા કરવા તીર્થધામમાં જવુ પડે છે જ્યારે અહીં તો આવપણી વંદના કબુલ કરવા વિવિધ કલાધરો ખુદ અહીં પધારે છે એ આપણા સદભાગ્ય છે. મારો હનુમાન વિણાવાદક છે. વિણા વેદ વાદ્ય છે. સનાતન વાદ્ય છે. આપણી સનાતન વિણામાં ત્રણ વિણાનો સમાવેસ થાય છે. કૈલાસપતિ શંકર રૂદ્રવિણા વગાડે છે. કૈલાસ પર શિવજી વિણાવાદન કરે છે. ગણેશજી તબલા વગાડે છે અને કાર્તિકેયનો મુયર નૃત્ય કરે છે. એ વાદનથી એટલી વર્ષા થઈ કે શિવજીના ભાલમાંથી ચંદ્ર ખરી પડ્યો માતા પાર્વતીએ વક્ર ચાંદને ફરી શંકરના ભાલમાં લગાડવા માગે છે પણ એ ચંદ્ર પર થોડો દાગ લાગી ગયો છે એને સાફ કરવા પાર્વતીજી કહે છે. ત્યારે શંકર કહે છે કે હું રૂદ્રવિણા વગાડુ છુ એનાથી આપની આંખમાંથી જે આંસુ ખરશે તેનાથી ચંદ્ર ધોવાઈ જશે.
બીજા વિણા બ્રહ્મલોક સાથે સંબંધિત છે જે માતા સરસ્વતીની છે. ત્રીજા વિણા વૈકુંઠ સાથે સંબંધિત છે જે નારદ વિણા છે. આજના કાળમાં મને કહેવા દો કે કેટલાક લોકોની વાણી વિણા છે.
હનુમાન વૈજ્ઞાનિક છે. વિજ્ઞાન વિશારદ છે તુલસી કહે છે એ મુજબ તો હનુમાનજી જ્ઞાનગુન સાગર છે. સકલ કલા ગુણ ધામ છે.  આપણા દેશમાં હનુમંત સાધના કેવળ ધાર્મિક કારણ જ નથી. ધાર્મિક રીતે તો હનુમાન કેન્દ્રમાં છે જ પણ ૨૧મી સદીમાં હનુમાનનું વૈજ્ઞાનિક સ્વરૂપ સમજવું જોઈએ.
તલગાજરડી આંખે હનુમાનજીમાં પાંચ વિજ્ઞાન છે. એમાનુ એક વિજ્ઞાન શ્વાસ છે. શ્વાસ વિજ્ઞાન એટલે યોગ વિજ્ઞાન પતંજલિના યોગદર્શનને હનુમાનજીએ પોતાના જીવનમાં પૂર્ણ રીતે ઉતાર્યુ છે. યોગ સાધન જેણે કરવી હોય એણે હનુમંત આશ્રય કરવો જોઈએ. ભગવાન યોગેશ્વર અર્જુનને શ્રીમદ ભગવત ગીતા કહી છે તેના અઢારે અધ્યાય યોગ છે. આ અઢારે યોગ નખશીખ, પરિપૂર્ણ રીતે કોઈમા હોય તો તે માત્ર મારા હનુમાનજીમાં ઉતર્યા છે. 
કાયાવરોહણના લકુલેશ ભગવાન બાપુએ અહીં સ્મર્યા ત્યાનાં કૃપાલુ આનંદ મહારાજે બાપૂને કહ્યું કે જીવનભરની યોગ સાધના મૌન ભાવે કર્યા પછી મને એટલું સમજાયુ છે કે જગતમાં રામનામ શ્રેષ્ઠ છે. યોગ વિજ્ઞાનમાં સફળ થવું હોય તેણે શ્રી હનુમાનજી પાસે જવુ જોઈએ.
હું શ્રક્ષનો માણસ છું એમ તો નહી કહું પણ હું વિશ્વાસનો આદમી છું. હનુમાનજીમાં બીજુ વિજ્ઞાન વિશ્વાસનું વિજ્ઞાન છે વિશ્વાસ-વિજ્ઞાનની કોઈ કીતાબ નથી જે તમે વાંચી લો, એ વિજ્ઞાન શીખવા મારે મૌન ભાવથી શ્રી હનુમાનજી પાસે બેસવું પડે છે.
પૂજ્ય બાપુની નિશ્રામાં તલગાજરડા ચિત્રકુટ ધામ ખાતે મહાવીર હનુમાનજી મહારાજના પ્રાકટ્યની આ પાવન ચૈત્રી પૂર્ણિમાએ છેલ્લા ૪૧ વર્ષથી હનુમંત સંગીત મહોત્સવનું આયોજન થાય છે. અસ્મિતાપર્વ અને તે દરમિયાન રાત્રિ કાર્યક્રમોમાં શાસ્ત્રીય સંગીત નૃત્ય મહોત્સવની સમાપ્તી પછીના હનુમંત પૂર્ણિમાના દિવસે શ્રી હનુમાનજી મહારાજના પ્રાક્ટયોત્સવની સાથે પૂજ્ય બાપુ દ્વારા વિવિધ એવોર્ડ અર્પણ વિધિ યોજાય છે. એ પરંપરામાં આ વર્ષે શ્રી હનુમંત એવોર્ડ ભારતીય શાસ્ત્રીય સંગીતની આજીવન સેવાના ઉપલક્ષ્યમાં ચાર મહાનુભાવોને અર્પણ થયો. શાસ્ત્રીય વાદ્ય સંગીતમાં તબલાંવાદન મારે પંડીત રામકૃમાર મિશ્રને, શાસ્ત્રીય વાદ્ય સંગીતમાં વાયોલીન વાદ્ય માટે એન.રાજમને, શાસ્ત્રીય નૃત્યુમાં કથ્થક નૃત્ય માટે કુમુદિની લાખિયાને અને શાસ્ત્રીય કંઠય સંગીત માટે પંડીત છન્નુલાલ મિશ્રને આ પ્રતિષ્ઠિત એવોર્ડ અપાયો.
કૈલાસ લલિત કલા એવોર્ડ શિલ્પ કલાક્ષેત્રે આજીવન સેવાના ઉપલક્ષ્યમાં હિંમત શાહને અપાયો. અવિનાશ વ્યાસ એવોર્ડ સંગીતક્ષેત્રે આજીવન સેવાના ઉપલક્ષ્યમાં નયનેશ જાનીને અપાયો.
નટરાજ એવોર્ડ અભિનય ક્ષેત્રે આજીવન સેવાના ઉપલક્ષ્યમાં અપાય છે જે ચાર ક્ષેત્ર અપાય છે. ગુજરાત લોક નાટ્ય (ભવાઈ)ના અનુસંધાનમાં શ્રેષ્ઠતા માટે લીલાબહેન (લીલી) પટેલને, ગુજરાત રંગભૂમિ (નાટક)માં દીપક ઘી વાળાને, ભારતીય ટેલીવીઝન શ્રેણી (હિન્દી)માં અરવિંદ ત્રિવેદીને અને ભારતીય હિન્દી ફીલ્મ માટે કામિની કૌશલ્યને અર્પણ કરવામાં આવ્યો પ્રત્યેક એવોર્ડમાં ચિત્રકુંટ ધામ તલગાજરડા, મોરારીબાપુ તરફથી એવોર્ડ સાથે રૂા.૧,૨૫,૦૦૦ની ધનરાશિ, સુત્રમાલા અને શાલ પ્રત્યેક ક્ષેત્રના સન્માનીત થનાર મહાનુભાવોની કલાવંદના રૂપે પૂજ્ય બાપુના હસ્તે અર્પણ થાય છે.
આજે શ્રી હનુમાન જયંતિના શુભ પ્રભાતના પ્રારંભ ભાવકો દ્વારા સુંદરકાંડના પાઠ અને હનુમાન ચાલીસાનું સંગીતમય ગાન થયુ. ત્યારબાદ પૂજ્યબાપુ દ્વારા શ્રી હનુમાનજી મહારાજની આરતીબાદ હનુમાનજી સમક્ષ જ્યોતિ હેગડે દ્વારા રૂદ્ર વીણાનાં સુમધુર વાદન દ્વારા હનુમાનજી મહારાજને સ્વરાજલિ અર્પણ કરી ત્યારબાદ રૂદ્રી ભટ્ટ દ્વારા હનુમાનજી નૃત્યાંજલી દ્વારા વંદના કરવામાં આવી કાર્યક્રમનું સંચાલન હરિશચંદ્ર જોષીએ સંભાળ્યુ હતું.

Previous articleરાજુલામાં ભાગવત્‌ સપ્તાહની પૂર્ણાહૂતી
Next articleઉંચાકોટડા ખાતે ચૈત્રી પુનમનો લોકમેળો યોજાયો