દિલ્હીમાં કોણ આવશે કોણ નહીં, પોલીસ નક્કી કરશેઃ ખેડૂતોની ટ્રેક્ટર રેલી પર સુપ્રિમનું નિવેદન

331

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૧૮
સુપ્રીમ કોર્ટએ સોમવારે કહ્યું કે, ખેડૂતોની ટ્રેક્ટર રેલી યોજાવી જોઈએ કે નહીં, એ નક્કી કરવાનું કામ પોલીસનું છે. એવામાં હવે ગણતંત્ર દિવસે ખેડૂતોની ટ્રેક્ટર માર્ચ થશે, તેના પર નિર્ણય દિલ્હી પોલીસએ લેવાનો રહે છે. જોકે, સુપ્રીમ કોર્ટ બુધવારે ફરી આ મામલા પર સુનાવણી કરશે.
આજે સુપ્રીમ કોર્ટમાં ગણતંત્ર દિવસે ખેડૂત સંગઠનો દ્વારા આયોજિત ટ્રેક્ટર રેલીને લઈ સુનાવણી હાથ ધરવામાં આવી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે રામલીલા મેદાનમાં પ્રદર્શનની મંજૂરી પર પોલીસે નિર્ણય લેવાનો છે. સાથોસાથ કોર્ટે કહ્યું કે શહેરમાં કેટલા લોકો, કેવી રીતે આવશે તે પોલીસ નક્કી કરશે. ચીફ જસ્ટિસે કહ્યું કે શું હવે કોર્ટે જણાવવું પડશે કે સરકારની પાસે પોલીસ એક્ટ હેઠળ શું શક્તિઓ છે. હવે સુપ્રીમ કોર્ટ બુધવારે આ મામલાની સુનાવણી કરશે.
ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેએ કહ્યું કે, મામલો પોલીસનો છે. અમે તેની પર નિર્ણય નહીં લઈએ. અમે મામલો હાલ સ્થગિત કરી રહ્યા છીએ. હવે આ મામલાની સુનાવણી બુધવારે થશે. સુપ્રીમ કોર્ટે સંકેત આપ્યા છે કે ખેડૂતોને દિલ્હી પ્રવેશ જેવા વિષય પર પહેલા પ્રશાસને નિર્ણય લેવો જોઈએ.બીજી તરફ, ટ્રેક્ટર રેલીને લઈ દિલ્હી પોલીસે કહ્યું કે, કોઈ પણ રેલીસ કે એવો વિરોધ જે ગણતંત્ર દિવસ સમારોહમાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરે છે, તે દેશને શરમમાં મૂકનારું કૃત્ય હશે. તેનાથી દુનિયાભરમાં દેશની બદનામી થશે. કાયદો-વ્યવસ્થા ખરાબ થવાની સ્થિતિ ઊભી થઈ શકે છે. પોલીસે અલગ-અલગ રિપોટ્‌ર્સનો હવાલો આપતા કહ્યું કે અનેક ખેડૂત ગણતંત્ર દિવસની પરેડમાં ખલેલ પહોંચાડવા માટે લાલ કિલ્લા સુધી પહોંચવાની તૈયારી કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, કૃષિ કાયદાઓની વિરુદ્ધ દિલ્હીની સરહદો પર વિરોધ પ્રદર્શન કરી રહેલા હજારો ખેડૂતોનું આંદોલન સતત ઉગ્ર બનતું જઈ રહ્યું છે. અત્યાર સુધી સરકાર અને ખેડૂતો વચ્ચે નવ રાઉન્ડની વાતચીત થઈ ચૂકી છે. આ બેઠકોમાં અનેક મુદ્દાઓ પર સહમતિ સધાઈ ગઈ છે પરંતુ ખેડૂત સંગઠનો ત્રણ કૃષિ કાયદાને રદ કરવા પર અડગ છે. આ દરમિયાન ૨૬ જાન્યુઆરીએ ખેડૂત સંગઠનોએ ટ્રેક્ટર રેલીનું આયોજન કર્યું છે.

Previous articleરોહિત શર્માએ સ્ટીવ સ્મિથની સામે ઉતારી તેની નકલ, વીડિયો થયો વાયરલ
Next articleવડાપ્રધાનની અમદાવાદ-સુરતને ‘મેટ્રોની ગિફ્ટ’