સિહોરના વરલ ગામે રમતા-રમતા ગુમ થયેલી માસુમ બાળકીનો ધરામાંથી મૃતદેહ મળ્યો

318

સિહોરના વરલ ગામે રહેતા પરિવારની ૨ વર્ષીય માસૂમ બાળકી ગઈકાલે ગુમ થયા બાદ આજે તેનો મૃતદેહ વરલથી ૧ કી.મી દુર આવેલા અને બાબરીયા ધરા તરીકે ઓળખાતા સ્થળેથી મળી આવતા પોલીસ કાફલો દોડી ગયો હતો. બાળકીનો મૃતદેહ મળી આવતાં લોકોનાં ટોળા એકઠા થયા હતા.ઘટના અંગેની ઉપલબ્ધ વિગતો મુજબ સિહોર તાલુકાના વરલ ગામે રહેતા ઈલિયાસભાઈ ઉંચડિયા નામના રત્નકલાકાર યુવાનની ત્રણ પૈકી સૌથી નાની પુત્રી જેનબ (ઉં.વ.૨) ગઈકાલે પોતાના ઘર નજીક રમતી હતી ત્યારબાદ ગુમ થતાં ઈલિયાસભાઈ સહિતના પરિવારજનો દ્વારા જેનબની ચિંતા ભરી શોધખોળ હાથ ધરી હતી. જો કે મોડી સાંજ સુધી જેનબનો કોઈ પત્તો ન મળતા ઈલિયાસભાઈએ સિહોર પોલીસ મથકમાં પોતાની બે વર્ષીય પુત્રી ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાનમાં આજે સવારથી જ ઈલિયાસભાઈના પરિવારે જેનબની હાથ ધરાયેલી શોધખોળમાં વરલથી ૧ કી.મી દુર આવેલા બાબરીયા ધરાના પાણીમાંથી જેનબનો મૃતદેહ મળી આવતા સિહોર પોલીસને જાણ કરાતા પોલીસે દોડી જઈ મૃતદેહનો કબજો લઈ પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.જેમાં મૃતદેહ પર કોઇ ઇજાના નિશાન જોવા મળી આવ્યા ન હતા આમ છતાં પોલીસે જેનબના મૃતદેહને પીએમ કરાવવા માટે મૃતદેહને ભાવનગર ખસેડવા તજવીજ હાથ ધરી હતી. ઘર પાસેથી રમતા રમતા ગુમ થયેલી જેનબ નામની બે વર્ષીય બાળકીનો ધરામાંથી મૃતદેહ મળી આવ્યાની ઘટનાને પગલે ભારે ચકચાર મચી હતી અને લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

Previous articleભાવનગરમાં બે સ્થળોએ વિકરાળ આગ ભભૂકી ઉઠતા માલસામાન બળીને ખાક
Next articleમહુવા પંથકમાં સતત પાંચમાં દિવસે ૫૮ મરઘાઓના મોત