ઉધનામાં ભાજપ કાર્યાલય બહાર બીજા દિવસે પણ રેમડેસિવિર ઇન્જેકશન માટે લાગી લાંબી લાઈનો

352

(જી.એન.એસ)સુરત,તા.૧૧
ભાજપ પ્રદેશ પ્રમુખે ૫૦૦૦ ઇન્જેકેશન આપવાની જાહેરાત કર્યા બાદ આજે બીજા દિવસે સુરતમાં ઉધના ભાજપ કાર્યાલય પરથી રેમડેસિવિર ઇન્જેકશનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ઈન્જેકશન મેળવવા માટે સવારથી લોકોની લાંબી-લાંબી લાઇનો લાગી છે. ગત રોજ ૯૦૦થી વધુ ઈન્જેકશનનું વિતરણ થયું હતું. આ સાથે એક નવો વિવાદ પણ ઉભો થયો છે.
સુરતમાં રેમડેસિવિર ઇન્જેકશન માટે લોકો રઝળપાટ કરી રહ્યા છે ત્યારે શુક્રવારે રાતે જિલ્લા કલેકટરે નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ પાસે પોતાના માટે રિઝર્વ જથ્થા સિવાયનો સ્ટોક ન હોવાથી ખાનગી હોસ્પિટલોને બંને સરકારી હોસ્પિટલમાંથી ઇન્જેકશન નહી ફાળવાય તેવી જાહેરાત કરી હતી. ત્યાં ગત રોજ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે ૫૦૦૦ રેમેડેસિવિર ઇન્જેકશન આપવાની જાહેરાત કરી હતી અને ગત રોજથી વિતરણ શરૂ કરી દીધું હતું. આજે બીજા દિવસે પણ સવારથી લોકોનો ધસારો થઇ ગયો છે. એક કિલોમીટર જેટલી લાંબી લાઇનો લાગી છે.
ભાજપ કાર્યાલયથી રેમડેસિવિર ઈન્જેકશનનું વિતરણ શરૂ કરાતા વિવાદ સર્જાયો છે. જિલ્લા કલેકટરે ખાનગી હોસ્પિટલો માટે ઇન્જેકશનનો જથ્થો નથી તેવી જાહેરાત કર્યાના ગણતરીના કલાકોમાં કાર્યાલય પર ઇન્જેકશનો જથ્થો પહોંચ્યો હતો અને ટોકન ફાળવ્યા બાદ ૯૦૦થી વધુ ઇન્જેકશનનું વિતરણ પણ કરાયું હતું. ઈન્જેકશન નહી મળ્યું તે લોકોએ હોબાળો પણ મચાવ્યો હતો. જ્યારે ૧૦૦ ઈન્જેક્શન નવસારી મોકલાયા હતા.
ઇન્જેક્શનના મુદ્દે રાજકીય વિવાદ પણ છેડાયો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ વચ્ચે અંદરખાને ચાલી રહેલો વિવાદ પણ ખુલ્લો પડી ગયો હતો. રૂપાણીએ સ્પષ્ટતા કરી હતી કે, સીઆર રેમડેસિવિરનો જથ્થો કયાંથી લાવ્યા તે અંગે તેમને જ પૂછો? પરંતુ સુરત જે રીતે કોરોનામાં સપડાયું છે ત્યારથી સી.આર.પાટીલ અપસેટ હતા. જે પ્રયાસો સરકારે કરવા જોઈએ તે નહીં કરતા સી.આર.પાટીલે જાતે મેદાનમાં ઉતર્યા છે અને સરકારી મશીનરીના ઉપયોગ વિના આપમેળે સ્થિતિને કાબૂમાં લેવા પ્રયાસ કરી રહ્યાં છે.