CBSEની ધો.૧૨ની પરીક્ષા સ્થગિત, ધો.૧૦ની રદ કરાઈ

227

(સં. સ. સે.) નવી દિલ્હી, તા. ૧૪
કોરોના વાયરસના વધી રહેલા પ્રકોપ વચ્ચે સીબીએસઈ બોર્ડ્‌સની ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાઓ ટાળવા માટે માંગણી થઈ રહી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે આ મામલે શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ ’નિશંક’ અને શિક્ષણ મંત્રાલયના અન્ય અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠક બાદ શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલે સીબીએસઈ બોર્ડની ૧૦મા ધોરણની પરીક્ષા રદ્દ કરવાની જ્યારે ૧૨મા ધોરણની પરીક્ષા સ્થગિત કરવાની જાહેરાત કરી છે.કોરોનાના પ્રકોપ વચ્ચે બુધવારે મધ્ય પ્રદેશમાં ૧૦મા અને ૧૨મા ધોરણની બોર્ડની પરીક્ષાઓને પાછી ઠેલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એમપી સ્કુલ એજ્યુકેશન વિભાગે આદેશ બહાર પાડીને બોર્ડની પરીક્ષાઓને એક મહિના માટે ટાળી દીધી છે. સીબીએસઈ બોર્ડે ૧૦મા અને ૧૨મા ધોરણની બોર્ડની પરીક્ષા નિર્ધારિત શિડ્યુલ પ્રમાણે જ લેવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. તેના વિરોધમાં વિદ્યાર્થીઓએ ૧૦મી એપ્રિલે સુપ્રીમ કોર્ટમાં જવાનો નિર્ણય લીધો હતો. દેશમાં ખૂબ જ ઝડપથી વધી રહેલા કોરોના સંકટ વચ્ચે અનેક રાજ્યના મુખ્યમંત્રીઓ, નેતાઓએ પરીક્ષા રદ્દ કરવાની વિનંતી કરી હતી. દેશના આશરે ૩૦ લાખ બાળકોને સીબીએસઈ બોર્ડની પરીક્ષાઓ આપવાની છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વગેરે પરીક્ષા રદ્દ કરવાની માંગણી કરી ચુક્યા છે. કોરોના કાળ દરમિયાન બાળકોનો મોટા ભાગનો અભ્યાસ ઓનલાઈન થતો હતો. વચ્ચે કોરોનાના કેસ ઘટ્યા એટલે શાળાઓ ખોલવામાં આવી હતી. પરંતુ હવે પરીક્ષા સમયે ફરી કેસમાં ઉછાળો આવ્યો છે. આ કારણે અનેક રાજ્યોએ બોર્ડની પરીક્ષા ટાળી દીધી છે ત્યારે કેન્દ્ર પર સીબીએસઈની પરીક્ષાઓ ટાળવા દબાણ બન્યું હતું.

Previous articleરાણપુર ગ્રા.પં. દ્વારા અપાયેલ બે દિવસમાં સ્વૈચ્છીક લોકડાઉનનો સ્વયંભૂ અમલ
Next articleભારતમાં ૨૪ કલાકમાં ૧.૮૪ લાખ કેસ, ૧૦૦૦થી વધુ મોત