ભારતમાં ૨૪ કલાકમાં ૧.૮૪ લાખ કેસ, ૧૦૦૦થી વધુ મોત

296

(સં. સ. સે.) નવી દિલ્હી, તા. ૧૪
ભારતમાં કોરોના વાયરસના કેસ એટલા ઝડપથી વધી રહ્યા છે કે ભારત દુનિયાનો બીજા નંબર નંબરનો દેશ બની ગયો છે કે જ્યાં કોરોનાના કેસ સૌથી વધુ છે. દેશમાં આવેલી કોરોનાની બીજી લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં રોકેટ ગતિએ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. પાછલા ૨૪ કલાકમાં દેશમાં ૧.૮૪ લાખ નવા કેસ નોંધાયા છે, જ્યારે ૧૦૦૦ કરતા વધુ લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ભારતમાં પાછલા ૨૪ કલાકમાં નવા ૧,૮૪,૩૭૨ નવા કોરોના કેસ નોંધાયા છે, જ્યારે એક જ દિવસમાં ૧,૦૨૭ લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. આ પહેલા સોમવારે નોંધાયેલા કેસમાં ૮૭૯ લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો હતો અને નવા કેસનો આંકડો ૧.૬૧ લાખ નોંધાયો હતો.ભારતમાં કોરોના વાયરસના નવા કેસમાં સતત થઈ રહેલા વધારાના કારણે કુલ કેસનો આંકડો ૧,૩૮,૭૩,૮૨૫ પર પહોંચી ગયા છે, જ્યારે કુલ ૧,૭૨,૦૮૪ કોરોનાના દર્દીઓએ દેશમાં જીવ ગુમાવ્યો છે.હાલ દેશમાં જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે તેના કારણે એક્ટિવ કેસનો આંકડો ૧૩ લાખને પાર કરીને ૧૩,૬૫,૭૦૪ પર પહોંચી ગયો છે. પાછલા ૨૪ કલાકમાં દેશમાં વધુ ૮૨,૩૩૯ લોકો કોરોનાની સામે જંગ જીત્યા છે, ભારતમાં કોરોનાને હરાવીને કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૧,૨૩,૩૬,૦૩૬ પર પહોંચી ગઈ છે.
ભારતમાં આજના દિવસ સુધીમાં કોરોનાની સામે ૧૧,૧૧,૭૯,૫૭૮ નાગરિકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
દેશમાં ૧૬ જાન્યુઆરીથી રસીકરણ અભિયાનની શરુઆત કરવામાં આવી છે, જેમાં કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી હતી, આ પછી બીજા તબક્કામાં ૧ માર્ચથી ૬૦ વર્ષથી વધુ ઉંમરના નાગરિકો અને જેઓ ૪૫ વર્ષથી વધુ ઉંમરના હોય અને ગંભીર બીમારીથી પીડાતા હોય તેમને રસી આપવાનો પ્રારંભ કરાયા હતો.
૨ એપ્રિલથી દેશમાં ૪૫ વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો રસી લઈ શકે તેનો પ્રારંભ કરવામાં આવ્યો.
ભારતમાં કોરોના વાયરસના કુલ કેસનો આંકડો પાછલા વર્ષે ૭ ઓગસ્ટના રોજ ૨૦ લાખને પાર પહોંચ્યો હતો. જે પછી ૨૩ ઓગસ્ટે ૩૦ લાખ, ૫ સપ્ટેમ્બરે ૪૦ લાખ, ૧૬ સપ્ટેમ્બરે ૫૦ લાખ પર પહોંચ્યો હતો.