દેશમાં ચોવિસ કલાકમાં કોરોનાના કુલ ૨,૫૯,૧૭૦ પોઝિટિવ કેસ

269

(સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા. ૨૦
લાંબા સમય પછી એક આશાનું કિરણ દેખાયું છે. રવિવારે જે કેસ નોંધાયા હતા તેની સરખામણીમાં પાછલા ૨૪ કલાકમાં નોંધાયેલા કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે, પરંતુ ચિંતાનો વિષય મૃત્યુઆંક છે કારણ કે ગઈકાલે નોંધાયેલા મૃત્યુ કરતા આજે ૧૦૦ વધુ છે. આ સાથે ૨૪ કલાકમાં નોંધાયેલા મૃત્યુઆંકે પાછલા તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રજૂ કરેલા આંકડા પ્રમાણે ભારતમાં ૨૪ કલાકમાં વધુ ૨,૫૯,૧૭૦ લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે અને ૧,૭૬૦ દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે.ભારતમાં વધુ ૨.૫૯ લાખ કોરોના કેસ સાથે કુલ કોરોના કેસની સંખ્યા ૧.૫૩,૨૧,૦૮૯ થઈ ગઈ છે. સતત કોરોનાના નવા કેસમાં વધારો થઈ રહ્યો છે તેના લીધે એક્ટિવ કેસનો આંકડો વધીને ૨૦,૩૧,૯૭૭ થઈ ગયો છે.દેશમાં સોમવારે ૧,૫૪,૭૬૧ દર્દીઓ કોરોનાને હરાવીને સાજા થયા છે, આ સાથે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૧,૩૧,૦૮,૫૮૧ થઈ ગઈ છે. જે પ્રમાણે નવા પોઝિટિવ કેસ વધી રહ્યા છે તેની સાથે હવે ધીમે-ધીમે સાજા થતા દર્દીઓની સંખ્યામાં પણ વધારો નોંધાઈ રહ્યો છે.
ભારતમાં વધુ ૧,૭૬૧ દર્દીઓના કોરોનાના લીધે જીવ જવા સાથે કુલ મૃત્યુઆંક વધીને ૧,૮૦,૫૩૦ થઈ ગયો છે. ૧૪ એપ્રિલથી દેશમાં કોરોનાના કારણે ૧૦૦૦થી વધુ લોકોના ૨૪ કલાકમાં મોત થઈ રહ્યા છે. આજ રીતે ૧૫ એપ્રિલના રોજ કોરોનાના નવા પોઝિટિવ કેસનો આંકડો ૨ લાખને પાર ગયો હતો તે પછી રોજ ૨ લાખની ઉપર જ નોંધાયા છે. આઈસીએમઆર મુજબ દેશમાં ગઈકાલે કોરોનાની તપાસ માટે ૧૫,૧૯,૪૮૬ સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેની સાથે ૧૯ એપ્રિલ સુધીમાં ૨૬,૯૪,૧૪,૦૩૫ લોકોના તપાસ માટે સેમ્પલ લેવામાં આવ્યા છે. ભારતમાં કોરોના વાયરસને હરાવવા માટે કુલ ૧૨,૭૧,૨૯,૧૧૩ કોરોના રસીના ડોઝ નાગરિકોને આપવામાં આવ્યા છે.

Previous articleભોપાલમાં શબવાહિની સાથે નેતાઓએ ફોટા પડાવતા વિવાદ
Next articleપંદર દિવસમાં ભાવનગર રેન્જમાં લોકોએ માસ્ક ન પહેરી ૧.૦૬ કરોડનો પોલીસને કર્યો ચાંદલો