ભગવાન જગન્નાથ આ વર્ષે શેરવાની જેવા વાઘા પહેરી ભક્તોને દર્શન આપશે

564

(જી.એન.એસ.)અમદાવાદ,તા.૧૭
અમદાવાદમાં રથયાત્રા નીકળશે કે નહિ તે અંગે હજી કોઈ નિર્ણય લેવાયો નથી. પરંતુ બીજી તરફ, જગન્નાથ મંદિરમાં તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. રથયાત્રાને લઈ ભગવાનના વાઘા તૈયાર થઈ રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાનના વાઘા માટે કપડું ગોકુળ, મથુરાથી મંગાવવામાં આવ્યું છે. આ વાઘા પર જરદોશી, પેચ અને કુંદન વર્ક કરવામાં આવશે. ભગવાનની પાઘડીમાં પણ વિવિધતા જોવા મળશે. મુગટ. પાઘ, રજવાડી પાઘ, મોરપીંછ પાઘ સાથે પ્રથમ વખત ભગવાન જોવા મળી શકે છે. ગુજરાતી બાંધેજ પાઘડી માટે બાંધણી ખરીદી લેવામાં આવી છે. આમ, ભગવાનના વાઘા વિવિધ રંગના જોવા મળશે. જેમાં ભગવાનને પ્રિય તેવા લાલ, લીલા, વાદળી, પીળાં, આસમાની જેવા રંગો હશે. આ વર્ષે રથયાત્રાના દિવસે ભગવાન રજવાડી વેષ ધારણ કરશે. ભગવાન માટે ૬ જોડી વાઘા બનાવામાં આવી રહ્યા છે. જેમાં વિવિધ વર્ક જોવા મળી શકે છે. ભગવાન આ વર્ષે શેરવાની જેવા વાઘા પહેરી ભક્તોને દર્શન આપશે. તો ભગવાન અમાસના દિવસે લીલા રંગના વાઘા ધારણ કરશે. ભગવાનના વાઘા બનાવવાનું કામ અખાત્રીજના દિવસે મુહૂર્ત કરી શરૂ કરવામાં આવે છે.
આ વર્ષે સુનિલભાઈની સાથે અન્ય ૭ લોકો મળી ભગવાનના વાઘા તૈયાર કરી રહ્યા છે.
ભગવાનને મામાના ઘર સરસપુરથી રથયાત્રાના દિવસે જે ભેટ સોગાદોની સાથે જે વાઘા અર્પણ કરવામાં આવશે તેને લઈને પણ તૈયારીઓ શરૂ થઈ છે. મામાના ઘરના વાઘા માટે અમદાવાદના સુરત અને વૃંદાવનથી કપડું મંગાવવામાં આવ્યું છે.

Previous articleકોરોનાના કેસોમાં બીજા દિવસે ઉછાળો, ૨૪ કલાકમાં ૬૭,૨૦૮ નવા કેસ
Next articleભારતની કોવેક્સિનને WHO દ્વારા જલ્દી અપ્રૂવલ મળે તેવી શક્યતા