બિટકોઇન કેસ : સંડોવાયેલા બધાની ધરપકડ કરી લેવાશે

647
guj1042018-6.jpg

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા વધુ અસરકારક બને તેમજ ગુજરાતની પ્રજાને શાંતિ, સુરક્ષા અને સલામતી આપવા માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની સુરક્ષા સંબંધે રાજ્ય પોલીસવડા સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે યોજેલી બેઠકમાં ગુનાઓ અટકાવવા અને તેના ઝડપી ઉકેલ માટે સ્પષ્ટ નિદેર્શ આપ્યા હતા. ગુજરાત પોલીસે ટેકનોલોજી અને આધુનિક ઉપકરણોના માધ્યમથી છેલ્લા બે-ત્રણ મહિનામાં રાજ્યમાં બનેલી લુટની મોટી ઘટનાઓ ખુબ જ ઝડપથી અને કુનેહ પૂર્વક ઉકેલી રહી છે. અમરેલી એલસીબી પોલીસ ઈન્સપેક્ટર અને તેના કર્મચારીઓ દ્વારા શૈલેષ ભટ્ટ તથા તેમના ભાગીદારો પાસેથી માર મારીને બળજબરી પૂર્વક ૨૦૦ બીટકોઈન ટ્રાન્સફર કરવા તેમજ સમાધાન કરવા વધુ ૩૨ કરોડની માગણી સંદર્ભે રજુઆત કરતા સીઆઈડી ક્રાઈમે પોતાની કુનેહથી આ ગુનો ગણતરીના દિવસોમાં ઉકેલ્યો છે જે અભિનંદનને પાત્ર છે તેમ રાજ્ય ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. આ કેસમાં સંકડાયેલ અમરેલી એલસીબી પોલીસ ઈન્સપેક્ટર પટેલ તેમજ ૯ પોલીસ કર્મચારીઓની ધરપકડ કરીને તેઓને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ન્યાયિક તપાસ હાથ અને ગુનેગારોને ઝડપી સજા મળે તે હેતુથી આ કેસની તપાસ માટે પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં એસઆઈટીની રચના કરવામાં આવી છે તેમજ સમગ્ર કેસનું સુપરવિઝન નાયબ પોલીસ મહાનિરીક્ષકને સોપાયું છે તેમ રાજ્ય ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યું હતું.  મંત્રીએ આ ઘટનાની વધુ વિગતો આપતા કહ્યું હતું કે, તા. ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ અમરેલી એલસીબી પોલીસ ઈન્સપેક્ટર પટેલ તેમજ ૯ પોલીસ કર્મચારીઓએ ત્રણ સરકારી વાહનોમાં શૈલેષ ભટ્ટ, ડ્રાઈવર મહિપાલ અને ભાગીદાર કિરીટ પાલડીયાને ગાંધીનગરના નિધી પેટ્રોલપંપથી અપહરણ કરીને દહેગામ રોડ ઉપર આવેલ કેશવ ફાર્મ ઉપર લઈ જઈ માર મારી બળજબરી પુર્વક ૨૦૦ બીટકોઈન પોલીસ ઈન્સપેક્ટર પટેલે તેના વોલેટમાં ટ્રાન્સફર કરાવ્યા હોવાની અરજદાર શૈલેષ ભટ્ટ દ્વારા પોલીસને રજુઆત કરવામાં આવી હતી. ત્યારબાદ આ અંગે પોલીસ કેસ નહી કરવા અને પોલીસની કાર્યવાહીમાંથી છુટકારો મેળવવા બીજા વધુ ૩૨ કરોડની માંગણી કરતા અરજદારે પી.ઉમેશ આંગડીયા પેઢી મારફતે ૩૨ કરોડનો હવાલો આપવાનું નક્કી થતા પોલીસ ઈન્સપેક્ટર પટેલે અરજદાર શૈલેષ ભટ્ટને મુક્ત કર્યો હતો તેમ મંત્રીએ ઉમેર્યું હતું. 

Previous articleજિલ્લા પંચાયતને ગ્રાન્ટ ફાળવવામાં અન્યાય : પ્રમુખ સરવૈયા
Next articleશેરડીના રસમાં સેકરીનની ભેળસેળનું કાવતરું..!!