પૈસાની તંગી નથી પરંતુ વળતર ન આપી શકાયઃ કેન્દ્રનું સુપ્રિમમાં નિવેદન

529

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૨૭
કેન્દ્ર સરકારે કોરોના સંક્રમણની લપેટમાં આવીને માર્યા ગયેલા લોકોના પરિવારજનોને ૪-૪ લાખ રૂપિયાનું વળતર આપવા ફરી એક વખત ના પાડી દીધી છે. જોકે આ વખતે સરકાર દ્વારા બીજો તર્ક રજૂ કરવામાં આવ્યો છે. ગઈ વખતે કેન્દ્ર દ્વારા સુપ્રીમ કોર્ટમાં સોગંદનામુ દાખલ કરીને એમ કહેવામાં આવ્યું હતું કે, જો બધાને ૪-૪ લાખ રૂપિયા આપવામાં આવે તો ફંડની તંગી વર્તાશે.
જોકે આ વખતે બીજા સોગંદનામામાં કેન્દ્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે, પૈસાની તંગી નથી પરંતુ તો પણ વળતર ન આપી શકાય. સરકારે કહ્યું હતું કે, ’મુદ્દો પૈસાનો નથી, પરંતુ સરકારના ખજાના અને બાકી તમામ સંસાધનોનો તર્કસંગત તથા વિવેકપૂર્ણ ઉપયોગનો છે.’સુપ્રીમ કોર્ટમાં કોવિડના કારણે થતા મૃત્યુ પર ૪ લાખ રૂપિયાનું વળતર આપવાની માગણીને લઈને અરજી દાખલ થઈ હતી. વળતરને લઈને કોર્ટે કેન્દ્ર પાસેથી સોગંદનામુ માગ્યું હતું. કેન્દ્રએ ૧૯ જૂનના રોજ પ્રથમ સોગંદનામુ દાખલ કર્યું હતું અને ત્યાર બાદ કોર્ટે બીજું સોગંદનામુ દાખલ કરવા કહ્યું હતું જેથી કેન્દ્રએ શનિવારે બીજું સોગંદનામુ દાખલ કર્યું હતું. કેન્દ્રએ ૩૯ પાનાના સોગંદનામામાં લખ્યું છે કે, મહામારી પહેલી વખત આવી છે અને આ સંજોગોમાં એનડીઆરએફ તથા એસડીઆરએફ જ નહીં પણ સરકારના કંસોલિડિટેડ ફંડનો પણ ઉપયોગ થઈ રહ્યો છે. કેન્દ્રએ જણાવ્યું કે, ૨૦૧૫થી ૨૦૨૦ના વર્ષ દરમિયાન ૧૨ ખાસ પ્રાકૃતિક આફતો માટે ખર્ચની ભલામણ છે. તેમાં ભૂકંપ, પૂર, દુષ્કાળ, તોફાન, સુનામી, ભૂસ્ખલન, વાદળ ફાટવા જેવી હોનારતોનો સમાવેશ થાય છે પરંતુ તેમાં કોવિડ-૧૯ કે કોરોનાનો સમાવેશ નથી થયેલો. કેન્દ્રએ એમ પણ કહ્યું કે, હજુ સુધી કોઈ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશે એસડીઆરએફમાંથી કોવિડ પીડિતોને કોઈ વળતર નથી આપ્યું. કેન્દ્રએ કોર્ટને જણાવ્યું કે, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત હાલ એવી કોઈ ગાઈડલાઈન કે યોજના નથી જેના અંતર્ગત કોરોનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને વળતર આપી શકાય. જોકે, ગત ૧૧ જૂનના રોજ કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે, કોવિડથી થયેલા મૃત્યુ મામલે ૪ લાખ રૂપિયાનું વળતર આપવાની માગણી વાજબી છે અને સરકાર તે અંગે વિચાર કરી રહી છે.