આગામી તારીખ ૧૧ જુલાઇ પછી રાજ્યમાં વરસાદ પડવાની સંભાવના

429

રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો ૧૨૨.૯૪ મી.મી. વરસાદ નોંધાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૮
લોકો આકાશ તરફ મીટ માંડીને બેસ્યા છે કે ક્યારે વરસાદ આવે. વાતાવરણમાં ફેલાયેલો બફારો લોકો માટે અસહ્ય બની રહ્યો છે. ત્યારે હવે એકમાત્ર વરસાદ પર જ આશા છે. ત્યારે હવે લોકોને વધુ રાહ જોવી નહિ પડે. વરસાદ મામલે વધુ એક રાહતરૂપ સમાચાર સામે આવ્યા છે. ૩ દિવસ બાદ રાજ્યમાં વરસાદ શરૂ થશે.હવામાન ખાતાના અપડેટ અનુસાર, રાજ્યના વિવિધ વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ આવી શકે છે. ત્રણ દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવી શકે છે. તો સૌરાષ્ટ્રમાં પણ છુટા છવાયા વિસ્તારોમાં વરસાદી અસર જોવા મળશે. આ ઉપરાંત અમદાવાદમાં પણ છૂટો છવાયો હળવો વરસાદ આવી શકે છે. હવામાન વિભાગના ઈન્ચાર્જ ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ સર્જાઈ રહ્યું છે. જેથી ત્રણ દિવસ બાદ એટલે કે ૧૧ જુલાઈથી સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ સર્જાય તેવી શક્યતા છે. IMD ના અધિકારીએ જણાવ્યુ છે કે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પ્રમાણમાં સારો વરસાદ પડ્યો છે. જ્યારે તારીખ ૧૧ જુલાઇ પછી રાજ્યમાં વરસાદ પડવાની સંભાવના છે. જોકે, આ વર્ષે શરૂઆતમાં જ વરસાદ ખેંચાયો છે. આ વર્ષે વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. મોટાપાયે ચોમાસાના પાકનું વાવેતર થયું છે. જો વરસાદ નહીં આવે તો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. કૃષિ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, ચાલુ વર્ષે તારીખ ૫ જુલાઈ સુધીમાં અંદાજીત ૪૦.૫૪ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે. ગત વર્ષે આ સમયગાળા દરમ્યાન ૪૦.૮૯ લાખ હેક્ટર વાવેતર થયુ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૪૭.૩૯% વાવેતર થયુ છે. સિંચાઇ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, સરદાર સરોવર જળાશયમાં ૧,૩૯,૭૭૨ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શક્તિના ૪૧.૮૪ % છે. રાજ્યના ૨૦૬ જળાશયોમાં ૨,૦૫,૪૪૦ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૩૬.૩૩ % છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ઉ૫ર કુલ ૩ જળાશય, એલર્ટ ૫ર કુલ ૩ જળાશય તેમજ વોર્નિગ ઉ૫ર કુલ ૫ જળાશય છે. એન.ડી.આર.એફ.ની કુલ ૧૫ ટીમમાંથી ૫ ટીમો ડીપ્લોય કરી દેવામાં આવી છે.