ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર અને રાહુલ ગાંધી વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઇ

579

આ બેઠકમાં પ્રિયંકા ગાંધી, હરિશ રાવત,કેસી વેણુગોપાલ હાજર રહ્યા
(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૧૩
ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે મંગળવારે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી સાથે તેમના દિલ્હી નિવાસ સ્થાને મુલાકાત કરી હતી. માનવામાં આવે છે કે આજની બેઠક પંજાબની ચૂંટણીને લઈને હતી. આ બેઠકમાં કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધી સાથે હરીશ રાવત અને કેસી વેણુગોપાલ પણ હાજર રહ્યા. નોંધનિય છે કે કેટલાક મહિના પહેલા પંજાબના સીએમ અમરિંદર સિંહે પ્રશાંત કિશોરને પોતાના પ્રધાન સલાહકાર તરીકે નિયુક્ત કર્યા હતા ત્યાર બાદ ધારાસભ્યો અને અધિકારીઓ સાથે પ્રશાંત કિશોરે બેઠક પણ કરી હતી.મળતી માહિતી મુજબ પ્રિયંકા ગાંધી લખનઉ જવાના હતા. પરંતુ તેમનો લખનઉ પ્રવાસ ૨ દિવસ માટે મુલતવી રાખવામાં આવ્યો છે. જો સૂત્રોની વાત માનીએ તો પંજાબને લઈને પાર્ટીમાં કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવી શકે છે. આ અગાઉ પ્રશાંત કિશોર કેપ્ટન અમરિંદર સિંહને મળ્યા હતા. નોંધનિય છે કે નવજોત સિંહ સિદ્ધુના ટ્‌વીટ બાદ કોંગ્રેસમાં હલચલ વધી ગઈ છે. પ્રશાંત કિશોર રાજકીય પક્ષો માટે ચૂંટણીની રણનીતિ તૈયાર કરે છે. આ અગાઉ તેઓ પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીના વ્યૂહરચનાકાર તરીકે કામ કરી રહ્યા હતા. તે તેમની વ્યૂહરચનાનું પરિણામ છે કે ટીએમસીને ૨૧૩ બેઠકો મળી, જ્યારે ભાજપને ૭૭ બેઠકો મળી. જ્યારે મોટાભાગના ચૂંટણી વિશ્લેષકો ભાજપ અને ટીએમસી વચ્ચે મોટી લડતની આગાહી કરી રહ્યા હતા ત્યારે પ્રશાંત કિશોરે ચૂંટણી પૂર્વે જ કહ્યું હતું કે જો ભાજપને ૧૦૦ થી વધુ બેઠકો મળે તો તે પોતાનું કામ છોડી દેશે.આ પહેલા તેઓ ઘણી વખત રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારને પણ મળી ચૂક્યા છે.પ્રશાંત કિશોરની વ્યૂહાત્મક સફળતાને ધ્યાનમાં રાખીને શરદ પવાર ઇચ્છે છે કે તેઓ તેમની મદદ કરે. ત્યારે એવું કહેવામાં આવી રહ્યું હતું કે ૨૦૨૪ની ચૂંટણી માટે ભાજપ સામે તૈયારીઓ કરવામાં આવી રહી છે. આપને જણાવી દઈએ કે, પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં તૃણમુલ કોંગ્રેસની જીત અને તમિલનાડુમાં ડીએમકે ગઠબંધનમાં પ્રશાંત કિશોરે મહત્વની ભૂમિકા નિભાવી છે.