સંજય લીલા ભણસાળી રિતિક અને આલિયાને લઈ બનાવશે ’ઇન્શાઅલ્લાહ’.!

265

(જી.એન.એસ)મુંબઈ,તા.૧૩
સંજય લીલા ભણસાળીએ ૨૦૧૯માં તેમની મહાત્વાકાંક્ષી ફિલ્મ ’ઇન્શાઅલ્લાહ’ની જાહેરાત કરી હતી. જેમાં પહેલી વખત સલમાન ખાન અને આલિયા ભટ્ટની જોડી ઓનસ્ક્રીન જોવા મળવાની હતી. આ રોમેન્ટિક ડ્રામા માટે સેટ્‌સના બાંધકામ સહિતની પ્રિ-પ્રોડક્શન કામગીરી શરૂ પણ થઈ ચૂકી હતી. જોકે, એના બે મહિના બાદ જણાવાયું, ભણસાળી અને સલમાનની વચ્ચે ક્રિએટિવ મતભેદોના કારણે આ ફિલ્મને પડતી મૂકવામાં આવી છે.આ ફિલ્મમેકરે એ પછી તરત જ આલિયાની સાથે ’ગંગુબાઈ કાઠિયાવાડી’ની જાહેરાત કરી હતી. જે હુસૈન ઝૈદીની બુક ’માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ’ના એક ચેપ્ટર પર આધારિત છે. આ ફિલ્મ માટે ગયા મહિનામાં શૂટિંગ કમ્પ્લીટ થયું હતું. હવે બોલિવૂડમાં ચર્ચા થઈ રહી છે કે, ભણસાળી રિતિક રોશન અને આલિયા ભટ્ટને લઈને ’ઇન્શાઅલ્લાહ’ બનાવવા જઈ રહ્યા છે.એક સોર્સે જણાવ્યું હતું કે, ’ભણસાળી અત્યારે વેબ સીરિઝ ’હીરા મંડી’ માટે કામ કરી રહ્યા છે. વિભુ પુરી દ્વારા ડિરેક્ટેડ આ સીરિઝ માટે ટૂંક સમયમાં શૂટિંગ શરૂ થશે. બીજી બાજુ આ ફિલ્મમેકર ’ઇન્શાઅલ્લાહ’ માટે પણ કામ કરી રહ્યા છે. આ ફિલ્મમાં એક યંગ ગર્લ અને એનાથી ઉંમરમાં ખાસ્સા મોટા વ્યક્તિ વચ્ચેની મેચ્યોર લવ સ્ટોરી છે. ભણસાળી ફીલ કરે છે કે, રિતિક અને આલિયાની જોડી પર્ફેક્ટ રહેશે. રિતિકની ભણસાળીની સાથે અનેક મીટિંગ્ઝ થઈ ચૂકી છે. તેને આ ફિલ્મની સ્ક્રિપ્ટ ગમી છે, પરંતુ તેણે એમાં કેટલાક ફેરફારો સૂચવ્યા છે. ભણસાળી એને ધ્યાનમાં રાખીને સ્ક્રિપ્ટમાં કેટલાક ફેરફારો પણ કરી રહ્યા છે. સોર્સીસ અનુસાર જો બધું પ્લાનિંગ મુજબ રહેશે તો આ ફિલ્મ માટે આવતા વર્ષના સેકન્ડ હાફમાં શૂટિંગ શરૂ થશે. રિતિક અત્યારે તેની બે ફિલ્મ્સ ’વિક્રમ વેધા’ની રીમેક અને ’ફાઇટર’ પર ફોકસ કરી રહ્યો છે.