બિગ-બીના બંગલા ’પ્રતીક્ષા’ની બહાર એમએનએસએ પોસ્ટર લગાવ્યા

171

જી.એન.એસ)મુંબઈ,તા.૧૫
સદીના મહાનાયક અમિતાભ બચ્ચન કોઈક ને કોઈક કારણે ચર્ચામાં રહે છે. આ વખતે અમિતાભ બચ્ચનના બંગલા પ્રતીક્ષાની બહાર પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટર પર ત્યાંથી પસાર થતાં દરેક વ્યક્તિની નજર પડે છે. આ પોસ્ટર્સ રાજ ઠાકરેની પાર્ટી એમ.એન.એસ (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના)એ લગાવ્યા છે. બુધવાર, ૧૪ જુલાઈની રાત્રે આ પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે. પોસ્ટરમાં અમિતાભને મોટું મન રાખવાની અપીલ કરવામાં આવી છે. ખરી રીતે, આ પોસ્ટરના માધ્યમથી અપીલ કરવામાં આવી છે કે અહીંયા જ્ઞાનેશ્વર રસ્તો પહોળો બનાવવામાં આવી રહ્યો છે અને તે માટે બિગ બીને મોટું દિલ રાખવાની તથા તંત્રની મદદ કરવાનું કહેવામાં આવ્યું છે. બીએમસીએ રસ્તો પહોળો કરવા માટે અમિતાભ બચ્ચનને ૨૦૧૭માં નોટિસ ફટકારી હતી. તે સમયે અમિતાભ બચ્ચનના બંગલાની નજીકમાં આવેલા પ્લોટની દીવાલ તોડી પાડવામાં આવી હતી, પરંતુ બિગ બીના બંગલાને કંઈ જ કરવામાં આવ્યું નહોતું. અમિતાભના બંગલા પ્રતીક્ષા આગળ રોડ એકદમ સાંકડો બની જાય છે. આ જ કારણે ત્યાં ટ્રાફિક જામ હોય છે. આ રોડ પર હેવી ટ્રાફિક રહે છે. આ જ રોડ પર ૨ સ્કૂલ, એક હોસ્પિટલ તથા ઈસ્કોન મંદિર હોવાની સાથે મુંબઈના અનેક સ્મારક પણ આસપાસમાં આવેલા છે. અત્યારે આ રસ્તો ૪૫ ફૂટ પહોળો છે અને તેને ૬૦ ફૂટ સુધી લઈ જવાનો છે, પરંતુ અમિતાભ બચ્ચનના બંગલાની દીવાલ વચ્ચે આવે છે.
રસ્તો સાંકડો હોવાને કારણે રોજ ટ્રાફિક જામ થાય છે. જ્યારે બીએમસીએ અમિતાભને નોટિસ ફટકારી હતી ત્યારે બિગ બી કોર્ટમાં ગયા અને આ જ કારણે કામ અટકી પડ્યું હતું. હવે કોર્ટે કામ કરવાની પરવાનગી આપી દીધી છે. હવે બીએમસી આ દીવાલ તોડવા માટે તૈયાર છે. હાલમાં બિગ બી પોતાના બીજા બંગલા જલસામાં રહે છે. તે અવારનવાર પ્રતીક્ષામાં પણ આવે છે. આ બંગલામાં અમિતાભ બચ્ચને પેરેન્ટ્‌સ સાથે સમય પસાર કર્યો હતો. મુંબઈમાં બચ્ચન પરિવારનો પહેલો બંગલો પ્રતીક્ષા છે. આ ઉપરાંત અમિતાભ પાસે વત્સ, જનક તથા જલસા એમ બીજા ત્રણ બંગલા છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો અમિતાભ ’ઝુંડ’, ’ચેહરે’, ’બ્રહ્માસ્ત્ર’, ’મેડે’માં જોવા મળશે.

Previous articleઅભિનેત્રી મુનમુન દત્તાએ તેમના ચાહકોને ફેક પ્રોફાઇલ બનાવા વાળાથી બચવાની ચેતવણી આપી
Next articleવર્લ્ડ કપ ૨૦૧૯માં ભારત ઇંગ્લેન્ડ સામે જાણીજોઈને હાર્યું હતુ