દરિયાપુર મનપસંદ જુગાર મામલોઃ પીઆઇ,પીએસઆઇ સહિત ૧૫ પોલીસ જવાનો સસ્પેન્ડ

559

(જી.એન.એસ.)અમદાવાદ,તા.૧૬
દરિયાપુરમાં મનપસંદ જુગાર કલબ પ્રકરણમાં શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે દરિયાપુર પીઆઇ, પીએસઆઇ સહિત ડી સ્ટાફના ૧૫ પોલીસ જવાનો સસ્પેન્ડ કરી દેતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. જણાવી દઈએ કે, શહેરમાં થોડા દિવસો પહેલાં જ મનપસંદ જુગાર કલબમાં પોલીસ રેડ કરી હતી. જેમાં ૧૭૦ જુગારીઓ જુગાર રમતા પકડાયા હતા. આ ઉપરાંત પોલીસે કલબમાંથી લાખોની રકમ પણ જપ્ત કરી હતી.સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં ૧૭૦ જુગારીઓ અને લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત થયા સંદર્ભે શહેર પોલીસ કમિશનરે દરિયાપુરના પીઆઈ આર.જી. જાડેજા, ડી સ્ટાફ પીએસઆઈ કે.સી. પટેલ સહિત સમગ્ર ડી સ્ટાફને સસ્પેન્ડ કરી દેવાનો હુકમ કર્યો છે. આ ઉપરાંત પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ (પીસીબી)ના પીએસઆઈ સહિત ૯ પોલીસ કર્મચારીઓની બીજી જગ્યા બદલી કરી દેવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ ૫મીના રોજ મળેલી બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરિયાપુર કડિયાનાકા પાસે આવેલા મનપસંદ જીમખાનામાં રેડ કરીને ૧૭૦ જુગારીઓને ઝડપી લીધા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલના એસપી જ્યોતિ પટેલની આગેવાનીમાં કરવામાં આવેલી રેડની કામગીરી દરમિયાન શહેરના ઈતિહાસની જુગારની સૌથી મોટી રેડ હોવાનું કહેવાય છે. ઉલ્લેખનીય છે કે, મનપસંદ જીમખાનામાં રેડ દરમિયાન ૪૦ જેટલા જુગારીઓ જુગાર રમતા ઝડપાયા હતા. પરંતુ પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લઈને આસપાસના મકાનો પણ તપાસ કરતા ૭ જેટલા મકાનમાં જુગાર નગરી વસાવી જુગાર રમતા લોકોને ઝડપી લઈ લાખો રૂપિયાનો મુદ્દામાલ જપત્‌ કર્યો હતો. સૂત્રોના જણાવ્યું અનુસાર આ અગાઉ મનપસંદ જીમખાના ઉપર ઘણી વખત રેડ કરવામાં આવી હતી, પરંતુ સંચાલક ગોવિંદ પટેલ ઉર્ફે ગામા પોલીસના હાથે ઝડપાયો નહોતો.

Previous articleવીએસ હોસ્પિટલે સગાની મંજૂરી વગર ઓપરેશન કરી નાખ્યું,૧ લાખ આપવા પડશે
Next articleગુજ.યુનિ.નો છબરડોઃ ૫૦૦થી વધુ વિદ્યાર્થીઓને હોલ ટિકિટ ન મળતાં રોષ