જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોએ ડ્રોન તોડી પાડ્યુઃ ૫ કિલો IED જપ્ત

239

(જી.એન.એસ.)શ્રીનગર,તા.૨૩
જમ્મુ કાશ્મીર ખાતે સુરક્ષા દળોને ભારે મોટી સફળતા મળી છે. અખનૂર ખાતે પોલીસે એક ડ્રોનને નીચે પાડી દીધું હતું. જાણવા મળ્યા મુજબ પોલીસને ડ્રોનમાંથી આઈઈડીનો જથ્થો પણ મળી આવ્યો છે. જમ્મુ કાશ્મીરમાં છેલ્લા ૧ મહિનાથી ડ્રોનની ગતિવિધિઓ તેજ થઈ છે. અહીં ૨૭ જૂનના રોજ ભારતીય વાયુસેના સ્ટેશન પર વિસ્ફોટક પાડવા માટે ડ્રોનનો ઉપયોગ થયો હતો.
જાણવા મળ્યા મુજબ ડ્રોનમાંથી ૫ કિલો આઈઈડીનો જથ્થો મળી આવ્યો છે. આતંકવાદીઓ તેને અસેમ્બલ કરીને તેનો ઉપયોગ કરવાના હતા. એજન્સીઓ દ્વારા એ અંગે તપાસ કરવામાં આવી રહી છે કે, શું લશ્કર પાછલી વખતની જેમ આતંકવાદી હુમલા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવાનું હતું. ડ્રોન આંતરરાષ્ટ્રીય સરહદથી ૮ કિમી અંદર મળી આવ્યું હોવાનું કહેવામાં આવ્યું છે.
આ તરફ સોપોર ખાતે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી જેમાં લશ્કરના કમાન્ડર સહિત ૨ આતંકવાદીને ઠાર મારવામાં આવ્યા છે. તે પૈકીનો એક આતંકવાદી ફયાજ નાગરિકો અને સુરક્ષા દળો પર અનેક હુમલાઓ અને હત્યામાં સામેલ હતો. ગત ૨૭ જૂનના રોજ આઈએએફ સ્ટેશન પર થયેલા ડ્રોન હુમલામાં ૨ વ્યક્તિને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.
જોકે હાઈ સિક્યોરિટી ઝોનમાં આ પ્રકારની ઘટના સામે આવી ત્યાર બાદ એજન્સીઓ એક્ટિવ મોડમાં આવી ગઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડ્રોનના નવા જોખમને ધ્યાનમાં રાખીને ઉચ્ચ સ્તરીય બેઠક પણ બોલાવી હતી.

Previous articleકોરોનાની ગતિ ધીમી પડીઃ ૨૪ કલાકમાં ૩૫૩૪૨ નવા કેસ, ૪૮૩ના મોત
Next articleદિલ્હીનો સિંહ ચૂપ છે, તેનો મતલબ કોઇ કાર્યવાહી થવાની છેઃ રાકેશ ટિકૈત