અરુણાચલ પ્રદેશ રાજ્યને અડીને આવેલા શહેરની ચીનના રાષ્ટ્રપતિએ મુલાકાત લીધી

299

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૨૩
ભારત સાથે ચાલી રહેલા સરહદ વિવાદની વચ્ચે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પહેલીવાર તિબેટની મુલાકાત લીધી છે. ચીનની સરકારી સંવાદ એજન્સી શિન્હુઆ પ્રમાણે જિનપિંગે ભારતના અરુણાચલ પ્રદેશ રાજ્યથી અડીને આવેલા ચીનના ન્યિંગચી શહેરની પણ મુલાકાત કરી, જે તિબેટનો ભાગ છે. આ દરમિયાન જિનપિંગે બ્રહ્મપુત્ર નદીનું પણ નિરીક્ષણ કર્યું. ચીન અહીં દુનિયાનો સૌથી મોટો ડેમ બનાવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે વર્ષ ૨૦૧૧માં સત્તા સંભાળ્યા બાદ જિનપિંગની આ પહેલો તિબેટ પ્રવાસ છે. બુધવારના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ન્યિંગચીના એરપોર્ટ પહોંચ્યા. ત્યારબાદ ચીની રાષ્ટ્રપતિએ બ્રહ્મપુત્ર નદી અને તેની સહાયક નદીની ખીણનું નિરીક્ષણ કર્યું. ઉલ્લેખનીય છે કે ભારત-ચીન સરહદ વિવાદમાં ૩,૪૮૮ કિલોમીટરની વાસ્તવિક નિયંત્રણ રેખા (ન્છઝ્ર) સામેલ છે. ચીન અરુણાચલ પ્રદેશ પર દક્ષિણ તિબેટના રૂપે પોતાનો દાવો કરે છે, જેને ભારતે હંમેશા ફગાવ્યો છે. ચીની રાષ્ટ્રપતિએ અરુણાચલ પ્રદેશ સરહદની મુલાકાત એવા સમયે કરી છે જ્યારે હાલમાં જ ચીને પહેલીવાર સંપૂર્ણ રીતે વીજળીથી ચાલતી બુલેટ ટ્રેન શરૂ કરી છે. આ બુલેટ ટ્રેન રાજધાની લ્હાસા અને ન્યિંગચીને જોડશે. આની ઝડપ ૧૬૦ કિમી પ્રતિ કલાક છે. લદ્દાખથી લઈને અરુણાચલ પ્રદેશ સુધી ડોળો રાખીને બેઠેલું ચીન બ્રહ્મપુત્ર નદી પર દુનિયાનો સૌથી મોટો ડેમ બનાવવા જઈ રહ્યું છે. ચીન તિબેટથી લઈને ભારત સુધી અત્યંત પવિત્ર મનાતી બ્રહ્મપુત્ર અથવા યારલુંગ ત્સાંગ્પો નદી પર ૬૦ ગીગાવોટનો વિશાળ ડેમ બાંધવાની યોજનામાં લાગ્યું છે. ચીને હાલમાં જ બ્રહ્મપુત્ર નદીની ખીણની વચ્ચે એક રણનીતિક રીતે અત્યંત મહત્વના હાઈવેનું નિર્માણ કર્યું છે. આ હાઇવે મેડોંગ કાઉન્ટીને જોડે છે, જેની સરહદ અરુણાચલ પ્રદેશને અડીને આવેલી છે. ચીનનું લક્ષ્ય ૨૦૬૦ સુધીમાં કાર્બન તટસ્થતા પ્રાપ્ત કરવાનું છે. આ માટે તે તિબેટમાં હાઇડ્રોપાવર પ્રોજેક્ટ પર સંપૂર્ણ જોર લગાવી રહ્યું છે.