મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટકમાં પૂરથી તબાહીઃ ત્રણેય સૈન્ય દ્વારા વૉર રૂમ શરુ કરાયો

287

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૨૫
મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટક સહિત દેશના અનેક રાજ્યોમાં આ દિવસોમાં વરસાદ પડી રહ્યો છે. પરિસ્થિતિ એવી છે કે ઘણા રાજ્યોના નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. આવી સ્થિતિમાં, લશ્કરી વિભાગમાં સેન્ટર વોર રૂમ તૈયાર કરવામાં આવી રહ્યો છે જેથી રાહત અને બચાવ કાર્ય માટે ત્રણેય સૈન્ય વચ્ચે વધુ સુમેળ સ્થાપિત થઈ શકે. આ વોર રૂમ દ્વારા પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને બચાવવા અને મદદ કરવામાં સરળતા રહેશે. છેલ્લા ઘણા દિવસોથી પડેલા વરસાદને કારણે મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને બિહારમાં પૂરની પરિસ્થિતિ ઉભી થઈ છે. ઘણા રાજ્યોના ગામો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે અને ખેતરો અને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. મહારાષ્ટ્રમાં પૂર, વરસાદ અને ભૂસ્ખલનથી વિનાશ સર્જાયો છે જેમા અત્યાર સુધીમાં ૧૧૨ લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે ૯૯ લોકોની શોધખોળ ચાલી રહી છે. માહિતી આપતાં રાહત અને પુનર્વસવાટ વિભાગે જણાવ્યું કે ભૂસ્ખલનને કારણે થયેલા અકસ્માતમાં લોકોને કાટમાળમાંથી બહાર કાઢવાનું કામ ચાલી રહ્યું છે. રાજ્યમાં પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, અત્યાર સુધીમાં લગભગ ૧ લાખ ૩૫ હજાર લોકોને પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી સ્થળાંતર કરવામાં આવ્યા છે. રાહત અને બચાવ કાર્ય સાથે સંકળાયેલા અધિકારીઓના જણાવ્યા અનુસાર પૂરને કારણે ૩૨૨૧ પ્રાણીઓ પણ મરી ગયા છે અને ૫૩ લોકો ઘાયલ થયા છે. ગોવાના ઉત્તરમાં સત્તારી અને બિચોલીમ તાલુકા અને દક્ષિણમાં ધારબંદોરા સહિત ગોવાના ઘણા ભાગોમાં પૂર જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે, જ્યાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ બાદ કેટલીક નદીઓના જળસ્તરમાં વધારો થતાં કેટલાક મકાનો ડૂબી ગયા છે. રાહત અને બચાવ કાર્ય સાથે સંકળાયેલા અધિકારીઓએ જણાવ્યું હતું કે પૂરને કારણે હજુ સુધી કોઈના મોતની જાણ થઈ નથી. એક સપ્તાહથી ભારે વરસાદને પગલે મહાદાયી નદીમાં પાણીનું સ્તર વધવાને કારણે ગુરૂવારની રાતથી સત્તારી તાલુકામાં ઓછામાં ઓછા ૧૦૦ મકાનો ડૂબી ગયા છે, એમ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. કોઈ જાનહાનિની જાણ થઈ નથી પરંતુ પૂર જેવી પરિસ્થિતિ છે. જે લોકોના મકાનો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે તે લોકો જાતે સુરક્ષિત સ્થળોએ ચાલ્યા ગયા છે.

Previous articleપ્રિયા મલિકે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતી ભારતનું નામ રોશન કર્યું
Next articleછેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં કોરોનાના નવા ૩૯,૭૪૨ પોઝિટિવ કેસ નોંધાયા