અંબાજીમાં પીએમઓની ઓળખાણ આપી ગર્ભગૃહમાં દર્શન કરી છ લોકો રફ્ફૂ

176

(જી.એન.એસ)બનાસકાંઠા,તા.૨૬
અંબાજી પોલીસ મથક ખાતે એક છ લોકો પીએમઓમાંથી આવ્યા હોવાનું કહીને અંબાજી મંદિરમાં દર્શન કરી ગયા હોવાની ફરિયાદ નોંધાઈ છે. યાત્રાધામ અંબાજી મંદિરના ગર્ભગૃહમાં પીએમઓમાં વડાપ્રધાનની સલાહકાર સમિતિમાંથી આવ્યા હોવાની ઓળખ આપી છ શખ્સોએ દર્શન કર્યા હતા. આ અંગેની ફરિયાદ મંદિર ઇન્સપેક્ટરે અંબાજી પોલીસ મથકે નોંધાવતાં ભારે ચકચાર મચી જવા પામી છે. ફરિયાદ પ્રમાણે છ શખ્સોએ પીએમઓમાંથી આવ્યા હોવાની ખોટી ઓળખ આપી જુદાજુદા સ્થળોએ મુલાકાત લીધી હતી. એ જ પ્રમાણે યાત્રાધામ અંબાજીમાં પણ આ છ શખ્સોએ આવીને ખોટી ઓળખ આપી ગર્ભગૃહમાં દર્શન કર્યા હોવાની ફરિયાદ અંબાજી ટેમ્પલ ઇન્સપેકટરે નોંધાવી છે. મળતી માહિતી પ્રમાણે ૧૩ જુલાઇ, ૨૦૨૧ના રોજ બપોરના ૧.૪૫ કલાકે પ્રમોદલાલ નામનો વ્યકિત મંદિર ટ્રસ્ટની ઓફિસે આવ્યો હતો. જેની સાથે અન્ય પાંચ શખ્સો પણ હતા. તેમણે પીએમઓ વડાપ્રધાન સલાહકાર સમિતિમાં ફરજ બજાવતા હોવાની ઓળખ આપીને અંબાજી માતાના નીજ મંદિર (ગર્ભગૃહ)માં દર્શન કરવાની વાત કરી હતી. જે બાદમાં તમામ લોકોને ગર્ભગૃહમાં દર્શન કરાવ્યા હતા. જોકે, આ છ વ્યક્તિઓએ અન્ય સ્થળોએ પણ પીએમઓ ઓફિસનું ખોટું નામ વટાવ્યું હોવાનો ભાંડો ફૂટ્યો હતો. આ અંગેના અહેવાલો વિવિધ માધ્યમોમાં આવતા જાણવા મળ્યું હતું કે, આ શખ્સો ખોટો હોદ્દો ધારણ કરી ગનો આચરી રહ્યા છે. જેને લઈને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પ્રમોદલાલ તેમજ તેની સાથે આવેલા અન્ય પાંચ શખ્સો સામે પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે. અંબાજી પોલીસે આ છ શખ્સોને શોધવાના પ્રયાસો શરૂ કર્યા છે. પોલીસે આ તમામ લોકો અંબાજી આવ્યા તે વખતના સીસીટીવી ફૂટેજ કબજે કરીને તેમને શોધવાના પ્રયાસો શરૂ કર્યાં છે.

Previous articleઆઈપીએલ ફેઝ-૨ઃ પહેલી મેચ મુંબઈ-ચેન્નઈ વચ્ચે ૧૯ સપ્ટેમ્બરથી રમાશે
Next article૨૦૨૪ લોકસભા ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા નવો રાષ્ટ્રીય મોરચો રચવો જોઇએ