વડોદરામાં વેપારીને લાલચ ભારે પડીઃ ૨.૦૮ કરોડ ગુમાવવાનો વારો આવ્યો

533

(જી.એન.એસ.)વડોદરા,તા.૨૬
વડોદરામાં રહેતા વેપારીને ૨૫ ટકા રિટર્ન મેળવવાની લાલચમાં ૨.૦૮ કરોડ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. શેરબજાર, બિટકોઇન અને આઇપીઓમાં રોકાણના નામે ૧૨ ભેજાબાજોએ વેપારી પાસેથી રૂપિયા ખંખેરી લીધા હતા. વડોદરાના બિલ ચાપડ રોડ પર રહેતા સ્ટોક માર્કેટનો વેપાર કરતા યુવકને સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક કરી શેરબજાર, આઇપીઓ, ફોરેક્સ અને બિટકોઇનનો વેપાર ચાલુ કરવા માટે લાલચ આપી ૧૨ શખસે અલગ-અલગ રીતે ફોન કરીને ૪ કરોડ ઉપરાંતની રકમ ટ્રાન્સફર કરાવ્યા બાદ એમાંથી રિટર્ન પેટે ૧ કરોડ ૯૬ લાખ આપી બાકીના બે કરોડ ઉપરાંતની રકમ નહીં આપી ઠગાઈ કરી હતી. યુવકે આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. વડોદરા શહેરના બિલ ચાપડ રોડ પર રહેતા અને અમદાવાદ જિલ્લાના ધંધૂકાના રહેવાસી ધ્રુવ વિપુલભાઈ શાહ સ્ટોક માર્કેટનો વેપાર કરે છે. ગત ઓક્ટોબર ૨૦૨૦માં તેણે સોશિયલ મીડિયા પર એક જાહેરાત જોઈ હતી, જેમાં શેરબજાર, આઇપીઓ, ફોરેક્સ અને બિટકોઈનનો પોતાનો વેપારધંધો ચાલુ કરવો હોય તો સંપર્ક કરો એમ જણાવી સોશિયલ મીડિયાની લિંક આપેલી હતી. યુવકે આ લિંક પર ક્લિક કરતાં મહાદેવ બુક્સ નામની ચેનલ ઓપન થઈ હતી અને ત્યાર બાદ તેને લાલચ અપાઈ હતી કે શેર માર્કેટમાં ૧૦ લાખનું રોકાણ કરશો તો મહિને ૨૫ ટકા વળતર મળશે અને અઢી લાખથી ઉપરનું રોકાણ કરશો તો ૧૫ ટકા વળતર મળશે, જેથી યુવકે અઢી લાખના પ્લાનમાં રોકાણ કરવાનું કહેતાં ભેજાબાજોએ તેની સાથે વાતચીત કરી અલગ-અલગ અકાઉન્ટમાં રૂપિયા ૪ કરોડ રોકાણ માટે ઓક્ટોબર-૨૦૨૦થી મે-૨૦૨૧ દરમિયાન સગાં-સંબંધીઓથી પાસે લઈને આ રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરાવી હતી. ભેજાબાજોએ રિટર્ન પેટે યુવકને ૧ કરોડ ૯૬ લાખ રૂપિયા પરત આપ્યા હતા, જોકે બાકીના ૨.૦૮ કરોડ પરત ન આપી ફોન ઉપાડવાનું બંધ કરી યુવકને બ્લોકમાં નાખી દીધો હતો. આખરે વેપારીએ આ મામલે ૧૨ અકાઉન્ટધારકો સામે ફરિયાદ નોંધાવી હતી. આ મામલે સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

Previous articleઅમેરિકા કોરોના મહામારીને રોકવા માટે ખોટી દિશામાં જઇ રહ્યું છે
Next articleસંભવિત ત્રીજી લહેરને લઇ તૈયારીઃ રાજકોટમાં બેડની સંખ્યા વધારી ૧૪૪૦ કરાશે